- બાર્ની ચૌધરી
સાઉથ એશિયાના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અને બીમારીમાંથી બચી ગયેલા લોકો તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ કાળજી પૂરી પાડવા સરકારને વિનંતી કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે કોવિડ રોગચાળાએ મેન્ટલ હેલ્થ સેવાઓના અભાવને પ્રકાશિત કર્યો છે. બીજી તરફ એશિયન લોકો “મૌનથી પીડાય છે”.
10 વર્ષની માનસિક સ્વાસ્થ્ય વ્યૂહરચનાના ભાગરૂપે, સરકાર સાઉથ એશિયન સમુદાયોને વિનંતી કરી રહી છે કે તેમને શું જોઈએ છે તે જણાવે.
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત અને નોટિંગહામ સ્થિત ચેરિટી, આવાઝને 25 વર્ષ સુધી સેવા આપનાર ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ એન્જેલા કંડોલાએ કહ્યું હતું કે “તે હંમેશા કાગળની કવાયત છે, ત્યાં કોઈ ક્રિયા કે ફોલોઅપ નથી. તે એક ટિક બોક્સ જેવું છે, અમે આ પેપર કર્યું છે, તેથી અમે હવે ઠીક છીએ. અમારી પાસે 25 વર્ષથી આ સમસ્યા છે. પરંતુ હવે, બ્લેક એશિયન માઈનોરિટી એથનિક લોકોની જરૂરિયાતો વિશે કોઈ ચર્ચા થતી નથી. કમિશનરોએ તેમને તમામ સમુદાયો સુધી સેવા પહોંચાડવા માટે ભંડોળ આપ્યું છે.’’
મેન્ટલ હેલ્થ મિનિસ્ટર ગિલિયન કીગને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’આવું થયું તે સાંભળીને મને દુઃખ થયું. હું ઇચ્છુ છું કે દક્ષિણ એશિયાના લોકો તેમને શું જોઈએ છે તે જણાવે. અમે એશિયનોની માંગણી જાણવા ખૂબ જ ઉત્સુક છીએ. અત્યાર સુધી ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોએ આ પરામર્શનો જવાબ આપ્યો છે.’’
ઝુંબેશકારો અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘’દક્ષિણ એશિયાઈ સમુદાયોમાં લોકો માનસિક સ્વાસ્થ્ય પડકારોને ગુપ્ત રાખે છે, શરમ, કલંક અને નેમ-કૉલિંગથી ડરતા હોય છે.’’
સંદીપ સાઇબને બાળપણથી જ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હતી. તેણીને પછીથી એનેરેક્ષીયા, બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) હોવાનું નિદાન થયું હતું. NHSએ તેને કાઉન્સેલિંગ માટે સાત મહિનાના વેઇટીંગ લીસ્ટ પર મૂકી હતી અને ઓગસ્ટ 2014માં, 25 વર્ષની વયે, તેણીએ પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આજે, તે મેન્ટલ હેલ્થ ચેમ્પિયન છે અને ચેરિટી, માઇન્ડની હિમાયતી છે.
સંદિપ જે ચેરિટીનું પ્રતિનિધિત્વ કરે છે તે હવે સરકારને ભંડોળ આપવા વિનંતી કરે છે, જ્યાં કોઈપણ વ્યક્તિ એપોઇન્ટમેન્ટ વિના મદદ મેળવી શકે છે.
માઇન્ડના પોલીસી અને કેમ્પેઇન મેનેજર જેમ્મા બાયર્ને, ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “યુવાન લોકો હજુ પણ આ સિસ્ટમમાં પીડાદાયક રાહ જોઇ રહ્યા છે. સરકારનો પ્રતિસાદ અત્યાર સુધી પૂરતો સારો રહ્યો નથી. આ સમુદાયોના લોકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યા અનુભવે તેવી શક્યતા વધુ હોય છે પરંતુ તેઓને જરૂરી મદદ મળવાની શક્યતા ઓછી હોય છે.
કીગન કહે છે કે ‘’એથનિક લોકોને વધુ સારા સમર્થનની જરૂર છે. સાંસ્કૃતિક હિમાયતે અમુક સમુદાયોમાં મોટો તફાવત કર્યો છે, જે અર્થપૂર્ણ છે.’’
સંદીપ કહે છે કે ‘’દક્ષિણ એશિયનો તેમની બીમારી વિશે વાત કરતા નથી, ખાસ કરીને વ્યાપક સમાજમાં. આપણે તે વાતચીત ચાલુ રાખવાની જરૂર છે. આપણે તમામ સ્તરે, સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સહયોગથી કામ કરવાની જરૂર છે. અમને સરકારના સમર્થનની જરૂર છે. હાલમાં એક વ્યક્તિ દર 90 સેકન્ડે તેના જીવનનો અંત લાવવાનું વિચારે છે, અને આ સમય ભયજનક રીતે ટૂંકો થઈ રહ્યો છે.”
એન્જેલા કહે છે કે લોકોને એપોઇન્ટ મેળવવામાં 2 મહિના લાગે જ છે. જો કંઈક કરવામાં નહીં આવે, તો આપણે 1960 અને 70 ના દાયકામાં પાછા જઈશું.’’