- સરવર આલમ દ્વારા
2022માં દેશના પ્રથમ એશિયન અને હિન્દુ વડા પ્રધાન બનનાર કોવ્ઝર્વેટીવ નેતા ઋષિ સુનકના “સીમાચિહ્ન” વારસાની પ્રશંસા કરતા અગ્રણી એશિયન નેતાઓએ મોંઘવારી, NHS અને આરોગ્ય સમસ્યાઓ, રેસીઝમ, માનસિક સુખાકારી સહિતના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ બાબતે આગામી વર્ષમાં બ્રિટનના લોકો અને ખાસ કરીને લઘુમતી સમુદાયોના લોકોની આશાઓ, મહત્વાકાંક્ષાઓ અને પડકારોને જાહેર કર્યા છે.
વિતેલા 12 મહિના યુકે માટે ભારે તોફાની અને મુશ્કેલ રહ્યા છે, જેની શરૂઆત યુક્રેન પર રશિયાના આક્રમણથી થઈ હતી અને ત્યારબાદ મહારાણીનું મૃત્યુ, બે વડા પ્રધાનો બોરિસ જૉન્સન અને લિઝ ટ્રસના રાજીનામાં અને છેલ્લે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસીસે જનતાને પરેશાન કરી મૂકી છે.
ઑક્ટોબર 2022માં યુકેના પ્રથમ એશિયન વડા પ્રધાન તરીકે સુનકની ઐતિહાસિક નિમણૂકથી યુકેમાં ઘણી બધી સ્થિરતા લાવવામાં મદદ મળી છે અને તેને કારણે બ્રિટિશ એશિયનો માટે બ્રિટનમાં ગૌરવની લાગણી પણ વધી છે.
કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) ના ભૂતપૂર્વ પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે ‘’ગરવી ગુજરાતનું સુનકનું ડાઉનિંગ સ્ટ્રીટનું એલિવેશન એ 20 વર્ષ પહેલાં બિઝનેસમેન અને પીઅરે કરેલી આગાહીની પરિપૂર્ણતા છે. એશિયન સમુદાય માટે આ એક સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે. 2002માં મને તત્કાલિન હોમ સેક્રેટરી ડેવિડ બ્લન્કેટ દ્વારા એશિયન ઓફ ધ યર એવોર્ડ અપાયો ત્યારે મેં મારા સ્વીકૃતિ ભાષણમાં કહ્યું હતું કે મારા જીવનકાળમાં અમે એક એશિયનને યુકેના વડા પ્રધાન તરીકે જોઇશું અને મને ખુશી છે કે 24મી ઓક્ટોબરે, દિવાળીના દિવસે મારી ભવિષ્યવાણી સાચી પડી. 2023માં, મારી સૌથી મોટી ઇચ્છા યુક્રેન યુદ્ધનો અંત, ગેસ-ઇલ્કેટ્રીસીટી-પેટ્રોલના ભાવ સામાન્ય સ્તરે આવે અને સ્થિર થાય અને ફુગાવો બે ટકાના લક્ષ્યની નજીક પાછો આવે. હું સરકારને રીસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશનના રોકાણમાં વધારો, સ્કીલ, લાઇફલોંગ લર્નીંગ અને એપ્રેન્ટિસ લેવી સહિત વૃદ્ધિ માટેની વ્યૂહરચના બનાવવા વિનંતી કરું છું. હોસ્પિટાલિટી, કૃષિ, ટેક, નાણાકીય સેવાઓ સહિતની તીવ્ર લેબર અછતને પહોંચી વળવા માટે વિશ્વભરના લેબર સુધી પહોંચવાની જરૂર છે. સૌથી વધુ ટેક્સ બોજ આપણી રીકવરી અને વૃદ્ધિને અટકાવી રહ્યો છે જે ઘટાડવાની જરૂર છે. વડા પ્રધાને તે કહ્યું છે અને તેને અમલમાં મૂકવાનો સમય છે.”
લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે ‘’મને આશા છે કે સુનકની નિમણૂકથી વધુ વંશીય લઘુમતીઓને બ્રિટિશ રાજકારણના સર્વોચ્ચ સ્થાનો મેળવવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવામાં મદદ મળશે. સુનક વડા પ્રધાન બન્યા તે દર્શાવે છે કે યુકેમાં હવે કોઈ કલર બાર રહ્યો નથી. આ સફળતા ઘણા બિન-શ્વેત નાગરિકોને રાજકીય પક્ષોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટીમાં. કારણ કે તેણે ત્રણ મહિલા વડા પ્રધાનો અને હવે બિન-શ્વેત વડા પ્રધાનને ચૂંટ્યા છે. વડાપ્રધાન તરીકે ઋષિ સુનકનું પ્રદર્શન બ્રિટિશ ભારતીય સમુદાયને એક કરતાં ઘણી રીતે અસર કરશે.”
લોર્ડ રેન્જરે કહ્યું હતું કે ‘’યુકે અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બંને દેશો માટે એક મોટી ઉપલબ્ધિ હશે. 2023માં, વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બંને દેશોમાં અપ્રતિમ આર્થિક વિકાસને મુક્ત કરીને, મુક્ત વેપાર કરારમાં પ્રવેશ કરશે. G20 નું પ્રમુખપદ ગ્રહણ કરનાર ભારતને બ્રિટિશ ભારતીય સમુદાયમાં પણ ઘણું ગૌરવ છે.”
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ચેરમેન લોર્ડ કમલેશ પટેલે જણાવ્યું હતું કે ‘’1960ના દાયકામાં યુકે આવ્યો ત્યારે એશિયન વડા પ્રધાન હોય તે ‘અકલ્પનીય’ હતું, પરંતુ દરેક જણ આનાથી ખુશ નથી. મારા બીજા ઘર લેસ્ટરમાં ધાર્મિક તણાવને કારણે થયેલો વિક્ષેપ જોઈને મને દુઃખ થયું હતું. સમુદાયો વચ્ચે તફાવતો હોવા છતાં આપણી વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. હું ઈચ્છું છું કે આપણે સક્રિયપણે આ સમાનતાને ઓળખી શકીએ અને બ્રિટનમાં જે હકારાત્મક યોગદાન આપીએ છીએ તેને પ્રકાશિત કરવા માટે સાથે મળીને કામ કરીએ. વિશ્વની નજર યુકે પર રહેશે કે તે 2023માં પડકારોને કેવી રીતે હેન્ડલ કરે છે. વધતી મોંઘવારી, આરોગ્ય અને સામાજિક સંભાળ સિસ્ટમ પતનની અણી પર છે, વસ્તીમાં વધતા નબળા માનસિક સ્વાસ્થ્ય, વધતી જતી બેઘર સમસ્યા સહિતના પ્રશ્નો ધરાવતા ઘણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ વર્ષ હશે.”
લોર્ડ પટેલ પોતે યોર્કશાયરના ક્રિકેટર અઝીમ રફીકના રેસીઝમના આક્ષેપો બાદ ઇંગ્લિશ ક્રિકેટની પ્રતિષ્ઠાને સુધારવાના પ્રયાસમાં મોખરે છે.
‘કિક ઈટ આઉટ’ના વડા સંજય ભંડારીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે“ઋષિ સુનકનું વડા પ્રધાન બનવું એ બતાવે છે કે શું થઈ શકે છે અને હું આશા રાખું છું કે તે પેઢીને એવું અનુભવવા માટે પ્રેરિત કરે છે કે નંબર 10 એ તેમનું સ્થાન છે. યુકે ઈમિગ્રેશન પર લાંબા ગાળાની વ્યૂહરચના ધરાવે. હું આશા રાખું છું કે આ વર્ષે વિન્ડ્રશની 75મી વર્ષગાંઠ બ્રિટનમાં કોમનવેલ્થ ઇમિગ્રેશનની ચાર પેઢીઓએ આપેલા યોગદાનની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય ક્ષણ તરીકે નોંધપાત્ર પ્રોફાઇલ મેળવે અને 2023 એશિયન પ્રતિભાને વધુ ઓળખ આપશે. હું ઇચ્છું છું કે ક્લબ્સ એશિયન સમુદાયોમાં અવગણવામાં આવતી પ્રતિભાને ઓળખે અને ચુનંદા ખેલાડીઓના માર્ગમાં તાજેતરની સફળતાઓ પર નિર્માણ કરે. ક્રિકેટમાં ઈક્વિટી પરના સ્વતંત્ર કમિશનના તારણોના પ્રકાશનથી રમતમાં જાતિવાદ અને અસમાનતાની સમસ્યાઓના ઉકેલ માટે સમગ્ર રમતમાં સંયુક્ત પ્રયાસો થઈ શકે છે.”
ડૉ. નકવીએ સુનકની નિમણૂકને બ્રિટિશ એશિયન સમુદાય માટે સૌથી વધુ સ્મરણીય અને નોંધપાત્ર વિકાસ તરીકે વર્ણવી ઉમેર્યું હતું કે “તેમના મૂળ દેશ, ધર્મ અથવા અન્ય કોઈપણ લાક્ષણિકતાને ધ્યાનમાં લીધા વિના તમામ બ્રિટિશ એશિયનોએ તેની ઉજવણી કરવી જોઈએ. મને આશા છે કે એશિયનો સહિયારા ઇતિહાસના આધારે એકતા શોધી શકશે. યુકેમાં દક્ષિણ એશિયન સમુદાયો વૈવિધ્યસભર છે અને તેઓ અસંખ્ય ધર્મો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેમના યોગદાનની ઉજવણી કરવાની તક છે. ગયા વર્ષે આપણે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનની 50મી વર્ષગાંઠ અને યુગાન્ડાન એશિયનોની હકાલપટ્ટીની વર્ષગાંઠ. આપણા ભવિષ્યને ઘડવામાં મદદ કરવા માટે આપણા ભૂતકાળમાંથી ઘણું શીખવાનું છે.”
અભિનેતા નીતિન ગણાત્રાએ કહ્યું હતું કે “રાજકારણમાં વધુ એશિયનોને જોવા ખૂબ જ સરસ છે. સુનક માટે અને કલામાં એશિયન સમુદાયની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. અમે શ્વેત મુખ્ય પ્રવાહમાં સફળ થવા માટે અમારા પોતાના સમુદાયના સામાજિક ધોરણો દ્વારા લડ્યા છીએ. અમે વધુ એશિયન અભિનેતાઓ, લેખકો દિગ્દર્શકોને સફળ થતા જોઈ રહ્યા છીએ.”
બ્રિટિશ ફ્યુચર થિંકટેંકના ડિરેક્ટર, સુંદર કટવાલાએ જણાવ્યું હતું કે ‘’આશા છે કે સુનક જેવું મોજુ અન્ય ઉદ્યોગોમાં ફરી વળશે અને વધુ એશિયનો ટોચની ભૂમિકાઓ પર આગળ વધતા જોવા મળશે. સુનકનું વડા પ્રધાન બનવું એ દર્શાવે છે કે આ દેશમાં બ્રિટિશ એશિયનો માટે તકની કોઈ ટોચમર્યાદા ન હોવાનું વિઝન પહેલાં કરતાં વધુ સાચું છે. માત્ર રાજકારણ અને બિઝનેસમાં જ નહિં, પરંતુ કલા અને મીડિયા, રમતગમત અને નાગરિક સમાજમાં પણ આગળ આવવાની જરૂર છે. દરેક ક્ષેત્ર અને સંસ્થાએ તે બતાવવાની જરૂર છે કે તેઓ દરેક સ્તરે બ્રિટિશ એશિયનોની હાજરીમાં આત્મવિશ્વાસ ધરાવે છે, તેમની પાસે વિઝન અને વ્યવહારુ યોજનાઓ છે.”
બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “સુનકની નિમણૂક આ ટોટેમિક મહત્વ ધરાવે છે. જો કે હજુ એવી સ્થિતિ છે જ્યાં વંશીય લઘુમતીઓના લોકો માટે કે સીડી પર ચઢવું ઘણીવાર મુશ્કેલ હોય છે અને વધુ અવરોધો હોય છે. NHSની તબીબી કટોકટીઓ માટે સમયસર સંભાળ પૂરી પાડવાની ક્ષમતા વિના NHS રેકોર્ડ બેકલોગ સહન કરી રહ્યું છે. સરકારે ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપીયન રાષ્ટ્રોની તુલનામાં લોકો, હોસ્પિટલ અને સમુદાયની ક્ષમતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે NHSમાં રોકાણ પૂરું પાડવાની જરૂર છે.”
રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ અન્વર સોલોમને જણાવ્યું હતું કે ‘’2023 મા બ્રિટિશ એશિયનોને કાર્યસ્થળે સીડી ચડતા અટકાવતા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.’’
ગયા વર્ષે કેટલીક સંસ્થાઓ પર સંસ્થાકીય રીતે જાતિવાદી હોવાનો આરોપ મૂકાયો હતો. મેટ્રોપોલિટન પોલીસની આંતરિક તપાસમાં પણ તેમને ત્યાં જાતિવાદ અને દુરાચાર સાથે “પ્રણાલીગત સમસ્યાઓ” હોવાનું જણાવ્યું હતું.
મેટ પોલીસના વડા માર્ક રાઉલીએ માફી માંગતા કહ્યું હતું કે ‘’જે રીતે અશ્વેત અને એશિયન અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે અસ્વીકાર્ય ભેદભાવના દાખલાઓ સ્પષ્ટપણે પ્રણાલીગત પૂર્વગ્રહ સમાન છે”.
ડિસેમ્બરમાં, લંડન ફાયર બ્રિગેડ (LFB) સામેના અહેવાલમાં દુષ્કર્મ, જાતિવાદ અને બુલીઇંગની ઘટનાઓ બહાર આવતા ચિફ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા વિશેષ પગલાં સૂચવાયા હતા. LFBની સમીક્ષા હાથ ધરનાર ભૂતપૂર્વ મુખ્ય ફરિયાદી નઝીર અફઝલે ફાયર બ્રિગેડને “સંસ્થાકીય રીતે દુરૂપયોગી અને જાતિવાદી” ગણાવી હતી.
ફૂટબોલમાં, બ્રિટિશ એશિયનોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. QPR કોચ મનીષ દરજીએ જણાવ્યું હતું કે, “સફળતા નેળવનાર વ્યક્તિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી સખત મહેનત અને પ્રતિબદ્ધતાને ઓછો આંકી શકાય તેમ નથી અને તે ફળ આપે છે. મારી આશા છે કે આ ઉર્ધ્વગમન ચાલુ રહે અને દક્ષિણ એશિયાઈ સમુદાયને પ્રેરિત કરે કે રમતના તમામ સ્તરે તેમના માટે જગ્યા છે.”