- સરવર આલમ
આ વર્ષના અંતમાં યોજાનારી અને જેમાં સૌથી વધુ ખર્ચ થવાનો છે તે સામાન્ય ચૂંટણી માટે બ્રિટિશ એશિયન દાતાઓએ રાજકીય પક્ષોને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજકીય પક્ષોએ ગયા વર્ષે £93 મિલિયનનું દાન સ્વીકાર્યું હતું, જે પાછલા વર્ષ કરતાં લગભગ £52 મિલિયન કરતાં બમણું છે.
કુલ મળીને, લેબરે 2023માં એકંદરે દાનમાં £31 મિલિયન એકઠાં ક ર્યા હતા જે 2022માં પક્ષને મળેલા £21.4 મિલિયન કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ચૂંટણીમાં પાછળ રહેવા છતાં, કન્ઝર્વેટિવે ગયા વર્ષે ફરી એકવાર રાજકીય દાન મેળવવાની દોડમાં લેબરને હરાવ્યું હતું અને £48 મિલિયન દાનમાં સ્વીકાર્યા હતા. એકલા આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં, ટોરીઝે £9.8 મિલિયન અને લેબર £6 મિલિયન સ્વીકાર્યા હતા.
B&Mના માલિક અને બિઝનેસમેન બોબી અરોરાએ તેમના ભાઈઓ સાઇમન અને રોબિન સાથે મળીને ડિસેમ્બરમાં ટોરીઝને £250,000 આપ્યા હતા. ત્યારે કોઈપણ રાજકીય પક્ષને અપાયેલું સૌથી મોટું સિંગલ દાન હતું. ગયા વર્ષે નવેમ્બરમાં ઇસ્ટર્ન આઇની એશિયન રિચ લિસ્ટ દ્વારા તેનું મૂલ્ય £2.9 બિલિયન હતું.
બિલિયોનેર પેટ્રોકેમિકલ અને ફર્ટિલાઈઝર ટાયકૂન શ્રી પ્રકાશ લોહિયાના પુત્ર, ઈન્ડોરામાના અધ્યક્ષે ગયા ઓગસ્ટમાં ટોરી પાર્ટીને £2 મિલિયન આપ્યા હતા.
ખાનગી માલિકીની રીજન્ટ કોલેજ લંડન અને અન્ય શિક્ષણ વ્યવસાયો ચલાવતા ડૉ. સેલવા પંકજે ગયા વર્ષે ટોરીઝને £125,000, છેલ્લા ક્વાર્ટરમાં £24,293 મળી વ્યક્તિગત રીતે ટોરી પાર્ટીને £600,000 થી વધુ દાન આપ્યું છે.
વ્રજ અને તેમના પુત્રો સુનીલ અને કમલ પાનખણીયાની માલિકીની પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપની વેસ્ટકમ્બ ગ્રુપે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં ટોરીઝને £74,593નું દાન આપ્યું હતું.
ટોરી પાર્ટીને સંદીપ (સેન્ડી) સિંહ ચઢ્ઢાની સુપ્રીમ 8 લિમિટેડ તરફથી ગયા મે માસમાં £350,000 આપવામાં આવ્યા હતા. તેમણે નવેમ્બરમાં £50,000નુ વધુ દાન કર્યું હતું.
ટોરી પાર્ટીએ કહ્યું છે કે તમામ દાન ઇલેક્શન કમિશનને જાહેર કરવામાં આવ્યા છે અને કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ખજાનચી અને સ્ક્વેર માઇલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ફેન્ચર્ચ એડવાઇઝરીના સ્થાપક અને સીઇઓ, મલિક કરીમે 2014 અને 2021 વચ્ચે ટોરીઝને £872,000નું દાન આપ્યું હતું, તેમણે 2023ના છેલ્લા ત્રણ મહિનામાં £38,638નું દાન કર્યું છે.
ટોરી પાર્ટીને થેમ્બલથ રામચંદ્રનની બ્રિસ્ટોલ લેબોરેટરીઝ તરફથી £10,000, ઇન્ટિરિયર ડિઝાઇનર શાલિની મિશ્રા તરફથી £10,00 અને ભૂતપૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવીએ £7,934નું દાન કર્યું હતું.
ગયા વર્ષે લેબર નેતા સર કેર સ્ટાર્મર દ્વારા ચૂંટણી ભંડોળ એકત્ર કરવા નિયુક્ત કરાયા બાદ મીડિયા ઉદ્યોગસાહસિક લોર્ડ વાહીદ અલીએ નવેમ્બર અને ડિસેમ્બરમાં પાર્ટીને કુલ £12,008નું બહુવિધ દાન આપ્યું હતું. મેડવે કાઉન્સિલર નૌશાબા ખાને ડિસેમ્બરમાં કુલ £12,400નું દાન આપ્યું હતું.
કેનેરી વ્હૉર્ફ ગ્રૂપના સીઈઓ શોબી ખાને નવેમ્બરમાં લેબર પાર્ટીને કુલ £13,735ની દાનની બે ચૂકવણી કરી હતી. તો લિબરલ ડેમોક્રેટ્સને ઉદ્યોગપતિ સુધીર ચૌધરીએ ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે કુલ £21,666ની ચૂકવણી કરી હતી. લિબ ડેમને નિયમિત દાતા – ઉદ્યોગપતિ દિનેશ ધમીજાએ £4,000 આપ્યા હતા. તો ડરહામ ગ્રૂપ એસ્ટેટ્સ, ડરહામના સીઇઓ ગુરપિત સિંહ જગપાલની આગેવાની હેઠળ, પાર્ટીને £10,000 આપ્યા હતા.