લંડનમાં એશિયન બિઝનેસ એવોર્ડ્સની 25મી વર્ષગાંઠ પ્રસંગે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે ‘’આ દેશમાં આવતા ઇમીગ્રન્ટ્સ આક્રમણ કરતા ઘુસણખોરો નથી, તેઓ સંશોધકો અને સંપત્તિ સર્જકો છે. પરસ્પર આદર અને સમજણને પ્રોત્સાહન આપવા, સરકારને વધુ ફ્લેક્સીબલ ઇમિગ્રેશન નીતિ માટે લોબીઇંગ કરવા, અથવા વધતા વ્યાપાર ખર્ચમાં વધુ મદદ પૂરી પાડવા માટે કૉલ કરવો હોય ત્યારે હું હંમેશા તમારી, બ્રિટિશ એશિયન સમુદાયની સાથે ઊભો રહીશ.’’
ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઇમિગ્રન્ટ્સને ‘આક્રમણખોરો’ કહ્યા બાદ વળતો પ્રહાર કરતાં ખાને આક્ષેપ કર્યો હતો કે ‘’રાજકારણીઓ અને અન્ય લોકો વારંવાર ઇમિગ્રેશન માટે હકારાત્મક કેસ બનાવવાથી દૂર રહે છે. આપણી વિવિધતાને બદનામ કરવાને બદલે તેમણે તેની ઉજવણી કરવી જોઈએ. ઇમિગ્રન્ટ્સ અને તેમના સંતાનો આપણા સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ, દેશને સશક્ત અને આપણા શહેરને વિશ્વનું સૌથી મહાન શહેર બનાવે છે.”
મેયરે કહ્યું હતું કે “બ્રિટિશ એશિયન બિઝનેસ લીડર્સનાં ઉદાહરણો દર્શાવે છે કે આપણે વિભાજનકારી રેટરિકમાંથી વિદાય લેવાની તાકીદે જરૂર છે, જેણે આપણા રાજકારણ અને રાષ્ટ્રીય વાતચીતને ઘણા લાંબા સમયથી દૂષિત કરી છે. પણ ઇમિગ્રન્ટ દેશને વધુ સમૃદ્ધ બનાવે છે, ગરીબ નહીં. મારા માતા-પિતા પાકિસ્તાનથી લંડન આવ્યા હતા. મારો પરિવાર આ અદ્ભુત શહેર અને આપણા દેશ માટે ઋણી છે. મને મારા પાકિસ્તાની વારસા, મારી ઇસ્લામિક આસ્થા અને મારા સાઉથ એશિયાના મૂળ પર ગર્વ છે. આ ઉપરાંત, મને લંડનર અને બ્રિટીશ હોવાનો ગર્વ છે. તેમણે મને અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે જે તેમને પાછુ આપવા હું હંમેશા ઉત્સાહી રહ્યો છું. તો ચાલો પ્રમાણિક બનો. ઇમિગ્રન્ટ સમુદાયો પણ તે જ કરે છે.”
ખાને કહ્યું હતું કે ‘’આપણે દેશની સંપત્તિમાંથી બાદબાકી નહિં પણ તેમાં ઉમેરો કરીએ છીએ. ઇમિગ્રેશન આપણને વધુ સમૃદ્ધ બનાવે છે અને આપણે આ રૂમમાં પુષ્કળ પ્રમાણમાં તેને જોઈ રહ્યા છીએ.”
ઇમિગ્રન્ટ્સ તરીકે આવેલા એશિયન ઉદ્યોગસાહસિકોએ યુ.કે.માં આપેલા અમૂલ્ય યોગદાનને માન્યતા આપતાં ખાને કહ્યું હતું કે “એશિયન બિઝનેસીસની સફળતા હવે આપણી રાષ્ટ્રીય ઓળખમાં ઊંડે સુધી જડેલી છે. આ રૂમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના પ્રયત્નો અને સિદ્ધિઓ આપણાં સમુદાયો માટે યોગ્ય રીતે ગૌરવનો સ્ત્રોત છે. હકીકત એ છે કે આવી ઘટનાઓ દર્શાવે છે કે આપણી વિવિધતા એક શક્તિ છે, નબળાઈ નથી. તમે માત્ર નોકરીઓ જ સર્જી નથી પણ આપણી અર્થવ્યવસ્થા માટે બિલીયન્સ પાઉન્ડ જનરેટ કરો છો, તમે હાઇ સ્ટ્રીટ અને નેઇબરહૂડને રહેવા અને કામ કરવા માટે વધુ સારા અને તેજસ્વી સ્થળો પણ બનાવો છો. મેયર તરીકે, હું તમારા માટે ઊભો રહીશ. હું જાણું છું કે આપણા એશિયન સમુદાયની ઉર્જા, ચાતુર્ય અને ઉદ્યોગસાહસિકતા એક બહેતર લંડન અને દરેક લોકો માટે વધુ સારો દેશ બનાવવા માટે મહત્વપૂર્ણ છે.’’
મેયર ખાને આ અઠવાડિયે સિટી હોલ દ્વારા શરૂ કરાયેલ ‘લંડન ફોર એવરીવન’ અભિયાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘’જ્યાં સુધી હું ત્યાં છું ત્યાં સુધી આ શહેર તમારું ઘર છે. અહીં તમારું હંમેશા સ્વાગત, આદર અને ઉજવણી કરવામાં આવશે. એશિયન બિઝનેસ એવોર્ડ્સ, છેલ્લાં 25 વર્ષથી, માત્ર બ્રિટિશ એશિયન પ્રતિભાની જ નહીં, પરંતુ બિઝનેસ જગતમાં ગમે ત્યાંની કોઈપણ પ્રતિભાની શ્રેષ્ઠતા પર પ્રકાશ પાડે છે.’’