બ્રિટનની અગ્રણી હોલસેલ કંપનીઓમાંની એક બેસ્ટવે ગ્રૂપને લેસ્ટર સ્ક્વેરમાં નવા શરૂ થયેલ ‘લંડનર’ હોટેલ ખાતે શુક્રવાર (19)ના રોજ ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત દ્વારા આયોજિત ગાલા ઈવેન્ટ એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં ટોચનો પ્રતિષ્ઠિત ‘એશિયન બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં કુલ 10 એવોર્ડ્ઝ એનાયત થયા હતા. આ સમારોહમાં બ્રિટનમાં દક્ષિણ એશિયાના 101 સૌથી ધનાઢ્ય લોકોની માહિતી રજૂ કરતા વાર્ષિક એશિયન રિચ લિસ્ટની લેટેસ્ટ એડિશનનું વિમોચન પણ કરાયું હતું છે. ગયા વર્ષે રોગચાળાના લોકડાઉન પ્રતિબંધો પછી એશિયન બિઝનેસ એવોર્ડ્સ તેના પ્રી-કોવિડ ફોર્મેટમાં પાછો ફર્યો હતો.
સર અનવર પરવેઝ અને તેમના શાળાના મિત્રો દ્વારા સ્થપાયેલ, બેસ્ટવે જૂથ માત્ર દેશની બીજી સૌથી મોટી હોલસેલ ચેઈન જ નહીં પરંતુ વેલ ફાર્મસી ગ્રુપ, પાકિસ્તાનનો બીજો સૌથી મોટો સિમેન્ટ બિઝનેસ અને દેશની ત્રીજી સૌથી મોટી બેંક પણ ચલાવે છે. તે લંડનના એક હોલસેલ ડેપોમાંથી વિકસ્યું હતું અને આજે તેની આવક હવે £4 બિલિયનથી વધુની છે.
એશિયન રિચ લિસ્ટની લેટેસ્ટ એડિશનમાં સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ટોચના સ્થાને £27.5 બિલિયનની અંદાજિત સંપત્તિ સાથે હિંદુજા પરિવાર છે, ત્યારબાદ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય (£14.2 બિલિયન) અને વેદાંતાના માઇનિંગ મેગ્નેટ અનિલ અગ્રવાલ (£7.5 બિલિયન) બિરાજે છે.
શક્તિશાળી રાજકારણીઓ, કરોડપતિ ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગના અગ્રણીઓ ભારતીય હોટેલિયર જસ્મિન્દર સિંઘની માલિકીની સેન્ટ્રલ લંડનની લક્ઝરી હોટેલ, લંડનર ખાતે શ્રેષ્ઠ એશિયન બિઝનેસીસની સફળતાની સરાહના કરવા માટે કોવિડ-સેફ સમારોહમાં એકત્ર થયા હતા.
એશિયન બિઝનેસ એવોર્ડ્સ એશિયન મીડિયા ગ્રુપ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે, જે ગ્રુપ ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત ન્યુઝ વિકલી, એશિયન રિચ લિસ્ટ અને GG2 પાવર લિસ્ટ પ્રકાશિત કરે છે.
આ સમરની શરૂઆતમાં રોગચાળાના નિયંત્રણો હટાવાયા પછી એએમજી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ આ પ્રથમ કાર્યક્રમ બન્યો હતો.
AMGના ગ્રુપ મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, “23 વર્ષથી એશિયન બિઝનેસ એવોર્ડને એશિયન બિઝનેસ સમુદાયમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાના સૌથી મહત્વપૂર્ણ અને અગત્યના માર્ગ તરીકે જોવામાં આવે છે.”
લોકો અને સમુદાયો પર રોગચાળાની અસરની નોંધ લેતા, તેમણે કહ્યું હતું કે, “છેલ્લા 18 મહિનામાં નાના અને મોટા બિઝનેસીસે મહત્વપૂર્ણ અને અભિન્ન ભૂમિકા ભજવી છે. તેથી આ બિઝનેસીસ પર પ્રકાશ પાડવો અને ઉદ્યોગસાહસિકોના મહાન કાર્યને સામૂહિક રીતે બિરદાવાની અમારી ફરજ છે. તે મહત્વપૂર્ણ છે કે આપણે દેશ અને સમાજને આ ગંભીર સમયમાંથી બહાર કાઢીએ અને અર્થતંત્રના પુનઃનિર્માણમાં આપણો ભાગ ભજવીએ.”
સર અનવર પરવેઝના પુત્ર દાઉદે ‘એશિયન બિઝનેસ ઓફ ધ યર’ એવોર્ડ મેળવ્યો હતો.
ધ સેઠી પાર્ટનર સોલિસિટર્સના વરિષ્ઠ પાર્ટનર રિતુ સેઠીએ રોયલ મિન્ટ દ્વારા પ્રાયોજિત ‘બિઝનેસવુમન ઓફ ધ યર એવોર્ડ’ જીત્યો હતો. તેમની સફળ પેઢી તેના કાયદાકીય કાર્યની શ્રેણી અને ગુણવત્તા માટે ઉદ્યોગમાં આદરણીય છે.
વિશ્વની કેટલીક સૌથી મોટી ખાણી-પીણીની કંપનીઓ ચલાવવાનો બહોળો અનુભવ ધરાવતા હોવિસના સીઈઓ નિશ કાંકીવાલાને ‘એશિયન બિઝનેસ સીઈઓ ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ભારતમાં જન્મેલા કાંકીવાલા દર છ મહિને ત્રણ અઠવાડિયા હોવિસની ફેક્ટરીઓની મુલાકાત લેવા માટે અને તેમાં જ સમય પસાર કરવા માટે જાણીતા છે. જ્યાં તેઓ સાથીદારો સાથે વાતો કરે છે અને તેમનો પ્રતિસાદ માંગે છે.
વેસ્ટમિન્સ્ટર ડેવલપમેન્ટ સર્વિસિસ (હિંદુજા ગ્રુપ)ને ઓલ્ડ વોર ઓફિસના તેમના કામ માટે ‘રિસ્ટોરેશન ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો. જે આવતા વર્ષે રેફલ્સ હોટેલ તરીકે ખુલશે અને જે OWO રેસિડેન્સ તરીકે 85 ખાનગી એપાર્ટમેન્ટનું માર્કેટિંગ પણ કરી રહી છે.
પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયો સાથે નિકાસ કરતી અગ્રણી કંપની સન માર્ક લિમિટેડને ટોચનો ‘એશિયન બિઝનેસ ફૂડ એન્ડ ડ્રિંક એવોર્ડ 2021’ એનાયત કરાયો હતો. લોર્ડ રેમી રેન્જર દ્વારા સ્થાપિત આ કંપનીએ અન્ય ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે, જેમાં એન્ટરપ્રાઇઝ માટેનો ક્વીન્સ એવોર્ડ પણ છે.
લોર્ડ રેન્જરના જમાઈ અને કંપનીના રોજિંદા કામકાજનો હવાલો સંભાળતા સની આહુજાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ભારતની સૌથી જાણીતી બેંકોમાંની એક અને યુકેમાં મોટાભાગના સમુદાયો માટે જાણીતું નામ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ‘એશિયન બિઝનેસ બેંક ઓફ ધ યર’ તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સમગ્ર રોગચાળા દરમિયાન, બેંક એક આવશ્યક સેવા તરીકે ખુલ્લી રહી હતી અને તેના ગ્રાહકોને તેની ઓનલાઈન કામગીરી અને મોબાઈલ એપ દ્વારા સીમલેસ સેવા પૂરી પાડી હતી.
‘એશિયન બિઝનેસ પ્રોપર્ટી ડેવલપર ઓફ ધ યર એવોર્ડ’ વેસ્ટકોમ્બ ગ્રુપને આપવામાં આવ્યો હતો, જે ગ્રેડII ની લીસ્ટેડ ઇમારતો – શાળાઓ, હોસ્પિટલો અને આર્મી બેરેકને લક્ઝરી આવાસમાં રૂપાંતરિત કરવામાં નિષ્ણાત છે.
સૌથી ઝડપથી વિકસતા FMCG હોલસેલ ઓક્સપોર્ટ વિક્રેતાઓમાંના એક સ્ટાર પેસિફિકને ‘ફાસ્ટ ગ્રોથ બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ’ના વિજેતા તરીકે જાહેર કરાયું હતું. જેને OakNorth બેંક દ્વારા સમર્થન મળ્યું હતું. 2010માં સ્થાપના થઈ ત્યારથી, સ્ટાર પેસિફિક વિશ્વની કેટલીક સૌથી મોટી ગ્રોસરી કંપનીઓ સાથે કામ કર્યું છે અને તે હેયસ, મિડલસેક્સના બેઝમાંથી 500થી વધુ પ્રોડક્ટ લાઇનની નિકાસ કરે છે.
વેદાંતા ફાઉન્ડેશન અને અનિલ અગ્રવાલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલને ‘એશિયન બિઝનેસ ફિલાન્થ્રોપી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ જૂથ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણીય પ્રોજેક્ટ્સ, રમતગમત અને સંસ્કૃતિને લગતી સખાવતો કરવા માટે જાણીતું છે. અગ્રવાલ્સ હેલ્ધી વિલેજ કેમ્પાઇન, તેમની નંદ ઘર યોજનાને સમર્થન આપીને તેઓ ભારતમાં ગ્રામીણ આરોગ્યસંભાળ કેન્દ્રોને સુધારવા અને કુપોષણને નાબૂદ કરવા, શિક્ષણ અને મહત્વપૂર્ણ કલ્યાણ સેવાઓ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.
એક વર્ષમાં કેરહોમ્સની મહત્વની ભૂમિકા દર્શાવતા એન્જલ કેર/એમએસ કેર પીએલસીએને ‘કેર હોમ ઓપરેટર ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરાયો હતો. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંદિપ રૂપારેલીયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. રૂપારેલિયા અને તેમનો પરિવાર દેશના કેટલાક અગ્રણી કેર એન્ડ નર્સિંગ હોમ્સ ચલાવે છે, જેમાં હેરો, નોર્થ લંડનમાં વૃદ્ધ એશિયનો માટે પર્પઝ બિલ્ટ હોમનો સમાવેશ થાય છે.
B&Mના CEO સાઇમન અરોરા, બેસ્ટવેના દાઉદ પરવેઝ અને વેદાંતના અગ્રવાલે રોગચાળાની અસર અને સમુદાયોમાં બિઝનેસીસ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વિશે વાત કરવા માટે પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ ભારતમાં શિક્ષણ-કેન્દ્રિત ચેરિટી, ‘પ્રથમ’ને ઉદારતાથી ભેટ આપી હતી.
કાર્યક્રમમાં ગરવી ગુજરાતની સ્થાપના કરનાર અને માર્ચ 2020માં અવ
સાન પામેલા સ્વ. શ્રી રમણીકલાલ સોલંકીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના પુત્ર શ્રી કલ્પેશે સોલંકીએ કહ્યું હતું કે “અમે તેમને ખૂબ જ યાદ કરીએ છીએ. તેઓ સાચા પાયોનિયર હતા; એક નેતા અને તેમના ક્ષેત્રમાં તેમનું પ્રભુત્વ તેમના પત્રકારત્વ માટે વખાણ મેળવે છે. તેમણે મહારાણી તરફથી સન્માન મેળવ્યું હતું – એક OBE અને બીજુ CBE. પરંતુ તેમનું સૌથી મોટું સન્માન હજારો લોકોને મદદ કરવાનું હતું અને સૌથી અગત્યનું તેમણે અમને સૌને અવાજ આપ્યો હતો. માત્ર એક અવાજ જ નહીં પરંતુ એક એવો અવાજ જેણે આદર મેળવ્યો હતો અને સાંભળવામાં પણ આવ્યો હતો.
બીબીસી પ્રેઝન્ટર નિહાલ અર્થનાયકેએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો, જ્યાં પ્રાયોજકો અને સમર્થકોમાં કુલેશ શાહ ફેમિલી ફાઉન્ડેશન, ઓકનોર્થ બેંક, ધ લંડનર હોટેલ, રોયલ મિન્ટ,
વેસ્ટકોમ્બ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટ યુ.કે.ના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
એશિયન રીચ લિસ્ટની નકલ ખરીદવા માટે, www.easterneye.biz/ARL/subscribe/ પર લોગ ઇન અથવા સૌરીન શાહને [email protected] પર ઈમેલ કરો અથવા 0207 654 7737 ઉપર કોલ કરો.
All photos: ©Edward Lloyd/Alpha Press 080000 19/11/2021