સેન્ટ્રલ લંડનની ભવ્ય પાર્ક પ્લાઝા હોટેલમાં તા. 22ના રોજ યોજાયેલા પ્રતિષ્ઠિત એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં વિવિધ એવોર્ડથી નવાજવામાં આવેલા તેજસ્વી તારલાઓનો પરિચય અત્રે રજૂ કરવામાં આવ્યો છે.
‘બિઝનેસ ઑફ ધ યર’નો એવોર્ડ મેળવનાર બિઝનેસમેન નિર્મલ સેઠિયા
‘બિઝનેસ ઑફ ધ યર’નો એવોર્ડ મેળવનાર બિઝનેસમેન નિર્મલ સેઠિયાનું બિઝનેસ સામ્રાજ્ય યુકે, યુરોપ, રશિયા, ભારત અને મિડલ ઇસ્ટમાં ફેલાયેલું છે. તેમાં શાહીના ઉત્પાદન, ચાના વાવેતર, ખાંડના રીફાઇનીંગ, વીજ ઉત્પાદન અને પ્રપોર્ટી ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.
2010માં પત્ની ચિત્રાના અવસાન પછી, શ્રી સેઠિયાએ તેમનો મોટાભાગનો સમય એન સેઠિયા ફાઉન્ડેશનને સમર્પિત કર્યો છે. તેમના એન સેઠિયા ફાઉન્ડેશન યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) અને ઈમ્પીરીયલ કોલેજમાં રોબોટિક્સ સર્જરીના અગ્રણી ફંડર્સમાંના એક છે. તેઓ રાજધાનીમાં સ્મિથફિલ્ડમાં નવા લંડન મ્યુઝિયમના સ્થાપક ભાગીદાર પણ છે અને વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે કાસ્ટ કોર્ટ ગેલેરીના પુનઃસંગ્રહ માટે ભંડોળ પૂરું પાડ્યું છે. ફાઉન્ડેશનમાં તેમનું સૌથી મોટું યોગદાન ચિત્રા કલેક્શન છે જે 10મી સદી પૂર્વેના ચાની એસેસરીઝનો સંગ્રહ છે જેનું મૂલ્ય £600 મિલિયનથી વધુ આંકવામાં આવ્યું છે.
વાઇટાબાયોટિક્સના સીઇઓ તેજ લાલવાણીને ‘હેલ્થકેર બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરાયો
આ સમારોહમાં જાણીતા અગ્રણી ઉદ્યોગસાહસિકોમાં વાઇટાબાયોટિક્સના સીઇઓ તેજ લાલવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમને હેલ્થકેર બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો. લાલવાણી બીબીસીના ડ્રેગન ડેનમાં ડ્રેગન તરીકે તેમણે વીતાવેલા પાંચ વર્ષ માટે સૌથી વધુ પ્રખ્યાત છે.
તેમની વાસ્તવિક સિદ્ધિ કૌટુંબિક વ્યવસાયને વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તિત કરવાની છે. છેલ્લા 20 વર્ષોમાં તેમની શ્રુડ બિઝનેસ કુશળતાએ 100 થી વધુ દેશોમાં વ્યાપેલી યુકેની સૌથી મોટી વિટામિન કંપની વાઇટાબાયોટિક્સને અસાધારણ વૃદ્ધિ તરફ દોરી છે.
પ્રોડક્ટ ડિઝાઇન અને બ્રાન્ડીંગની ફ્લેર સાથે, લાલવાણીએ ડિઝની અને પેપ્પા પિગ સાથે અત્યંત સફળ ભાગીદારી બનાવી છે જ્યારે નિકોલ શેર્ઝિંગર, હેઈડી ક્લુમ અને ડેવિડ ગેન્ડી જેવા પ્રખ્યાત બ્રાન્ડ એમ્બેસેડરને સાથે જોડ્યા છે. બે વખત ઇનોવેશન માટે ક્વીન્સ એવોર્ડ મેળવનાર પ્રથમ વિટામિન કંપનીના પોર્ટફોલિયોમાં પરફેક્ટિલ, પ્રેગ્નાકેર, મેનોપેસ, વેલકીડ, વેલબેબી, વેલમેન અને વેલવુમન જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2021માં તેમણે વૈશ્વિક ટેક્નોલોજી જાયન્ટ અલીબાબા ગ્રૂપ અને લાઝાદા ગ્રૂપ સાથે ભાગીદારી કરી હતી.
ફૂડ એન્ડ ડ્રિંક બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ ફૂડસ્પીડ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર બોબી બાવાને અર્પણ
ફૂડ એન્ડ ડ્રિંક બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ ફૂડસ્પીડ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર બોબી બાવાને મળ્યો હતો. રોયલ વોરંટ ટૂ HM ધ ક્વીન એનાયત કરાયું હોય તેવા એશિયન માલિકીના થોડાક બિઝનેસીસમાં ફૂડસ્પીડ એક છે, અને તેણે આ ક્ષેત્રમાં વ્યાપક પ્રતિષ્ઠા ઊભી કરી છે.
કંપની સસ્ટેઇનીબીલીટી માટે સમર્પિત છે અને તેની પર્યાવરણીય અસર ઘટાડવા માટે સક્રિયપણે કાર્ય કરે છે. ખાસ કરીને જ્યારે તે ઓર્ગેનીક પ્રોડ્યુસ અને એનિમલ વેલ્ફેરની વાત આવે ત્યારે તે સસ્ટેઇનેબલ અને નૈતિક પ્રથાઓને સુનિશ્ચિત કરવા માટે તેની સપ્લાય ચેઇનને મેપ કરે છે. કોવિડ રોગચાળા દરમિયાન કંપનીએ સખાવતી સંસ્થાઓને £70,000 થી વધુ ખોરાકનું દાન કર્યું હતું.
વેસ્ટ લંડન ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી કાર્યરત, કુટુંબ-માલિકીનો સ્વતંત્ર વ્યવસાય 500 કરતાં વધુ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં રોયલ પેલેસિસ, નોબુ, ધ સેવોય અને OWO રેફલ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. કંપની ફ્રાન્સ, બેલ્જિયમ અને ઇટાલી સહિતના યુરોપિયન બજારોમાંથી સાપ્તાહિક 20 ટનથી વધુ પ્રીમિયમ ઉત્પાદનોની આયાત કરે છે.
કરાલી નોર્થ અમેરિકાના કો-સીઈઓ કરીમ જાનમોહમદને યંગ એન્ટ્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ
કરાલી નોર્થ અમેરિકાના 24 વર્ષના કો-સીઈઓ કરીમ જાનમોહમદને યંગ એન્ટ્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી ફર્સ્ટ-ક્લાસ ડિગ્રી મેળવનાર કરીમ જનમોહમ્મદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં શ્રેષ્ઠ કારકિર્દી પછી તેમના પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા.
બે વર્ષથી ઓછા સમયમાં તેમણે પોતાના પરિવારને બજારની ટોચ પરના ઝડપી સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી અને પછી યુ.એસ.માં મુખ્ય સ્થાનો પર 32 બર્ગર કિંગ રેસ્ટોરન્ટ્સની ખરીદી સાથે બજારમાં પરિવારના પુનઃપ્રવેશ માટેનું આયોજન કર્યું હતું. કંપની પાસે અમેરિકામાં 700થી વધુ કર્મચારીઓ છે અને આ વર્ષે $50 મિલિયનની આવકનો અંદાજ ધરાવે છે.
તેમને આ વર્ષની ફોર્બ્સની 30 અંડર 30 ક્લેવલેન્ડની યાદીમાં સ્થાન મળ્યું હતું. તેમના પિતા સલીમ જૂથના અધ્યક્ષ અને સ્થાપક છે, જે ફાસ્ટ-ફૂડ, કેઝ્યુઅલ ડાઇનિંગ અને હોસ્પિટાલિટી બિઝનેસમાં ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. ગયા વર્ષે, બર્ગર કિંગની યુકે પાંખે તેની બીજી સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ઓપરેટર કરાલી ગ્રૂપ હસ્તગત કરી હતી, જે 74 રેસ્ટોરાં ધરાવે છે.
ઝી ટીવીના યુકેના ટેરિટરી હેડ પારૂલ ગોયલને મીડિયા પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ અર્પણ કરાયો
ઝી ટીવીના યુકેના ટેરિટરી હેડ પારૂલ ગોયલને મીડિયા પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ અર્પણ કરાયો હતો. ઝી ટીવી યુકે અને યુરોપમાં અગ્રણી ભારતીય મીડિયા નેટવર્ક્સમાંનું એક છે. ગોયલના નેતૃત્વ હેઠળ, ઝી ટીવીએ આ વર્ષે ચાર નવી ચેનલો લૉન્ચ કરી છે અને ડબલ ડિજિટની વૃદ્ધિ કરી છે.
બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીનું ગૌરવ ધરાવતા ગોયલ બાર્કલેઝમાં મુખ્ય ભૂમિકા ઉપરાંત બેન્ક ઓફ ઈંગ્લેન્ડની ડીસીઝન મેકર્સ પેનલમાં રહી ચૂક્યા છે. તેઓ 2007માં ઝી એન્ટરટેઈનમેન્ટમાં જોડાયા હતા અને ઝી વર્લ્ડના લોંચનું આયોજન કર્યું હતું. રોગચાળાના પડકારો વચ્ચે, ZEE નેટવર્ક યુકેમાં તેમના નેતૃત્વએ બુદ્ધિશાળી વ્યૂહરચના દર્શાવી હતી, જેમાં HD ન્યૂઝ ચેનલ, ‘સા રે ગા મા પા’ જેવા ફ્લેગશિપ શોની રજૂઆત, 15 સંસ્થાઓ પાસેથી સ્પોન્સરશિપ મેળવવી અને CII અને ગ્રાન્ટ થોર્ન્ટન તરફથી પ્રશંસા મેળવવાનો સમાવેશ થાય છે.
રિજન્ટ ગ્રૂપના સ્થાપક અને સીઈઓ ડૉ. સેલ્વા પંકજને ‘ઈસ્ટર્ન આઈ એન્ટ્રપ્રેન્યોર ઑફ ધ યર એવોર્ડ’ એનાયત
રિજન્ટ ગ્રૂપના સ્થાપક અને સીઈઓ ડૉ. સેલ્વા પંકજને એજ્યુકેશન એમ્પાયર બનાવવાના તેમના કાર્ય માટે ઈસ્ટર્ન આઈ એન્ટ્રપ્રેન્યોર ઑફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો.
એક લેખક, રીસર્ચર અને એજ્યુકેશનલ લીડર ડૉ. પંકજે વર્ષ 2000માં તેમના પત્ની દર્શિની સાથે રીજન્ટની સહ-સ્થાપના કરી હતી અને તેઓ પહેલા £20 પ્રતિ કલાકના દરે વિદ્યાર્થીઓને વન ટૂ વન ખાનગી ટ્યુશન પૂરું પાડતા હતા. તેમણે રીજન્ટ ગ્રૂપને એજ્યુકેશન પાવરહાઉસ બનાવ્યું છે, જે 2030 સુધીમાં બ્રિટિશ યુનિકોર્ન બનવાના માર્ગ પર છે.
ડૉ. પંકજ યુદ્ધગ્રસ્ત શ્રીલંકાથી 19 વર્ષની ઉંમરે યુકે આવ્યા હતા અને MBA મેળવતા પહેલા એકાઉન્ટન્ટ તરીકે લાયક બન્યા હતા. ડૉ. પંકજે હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમણે શોધેલા કેરેક્ટર લર્નિંગ પ્રોગ્રામ્સ બાબતે તેમની વિચારસરણી વિકસાવી હતી. રીજન્ટ દ્વારા, તેમનો ઓન-ડિમાન્ડ અને સેલ્ફ-પેસ પ્રોગ્રામ્સ પહેલેથી જ 50,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયો છે.
તેમનું સાહસ હવે સમગ્ર લંડન, ન્યૂયોર્ક, દુબઈ અને ભારતમાં ફેલાયેલું છે, જે નર્સરીથી સીકસ્થ ફોર્મ અને ઉચ્ચ શિક્ષણ સુધીના 6,000 વિદ્યાર્થીઓને સેવા આપે છે.
નેક્સ્ટ જનરલ લીડર ઓફ ધ યર એવોર્ડ અરોરા ગ્રુપના ચીફ ઓપરેટિંગ ઓફિસર સંજય અરોરાને અર્પણ
નેક્સ્ટ જનરલ લીડર ઓફ ધ યર એવોર્ડ અરોરા ગ્રુપના ચીફ ઓપરેટિંગ ઓફિસર સંજય અરોરાને આપવામાં આવ્યો હતો. કેપીએમજીમાં કારકિર્દીની શરૂઆત અને એમબીએ કર્યા પછી, અરોરા 2016માં અરોરા ગ્રૂપમાં તેમના પિતા સુરિન્દર સાથે જોડાયા હતા અને ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. જૂથના નવા એક્વિઝિશન અને નવા ડેવલપમેન્ટની દેખરેખ રાખી હતી, જેમાં બે નવી સીમાચિહ્ન હોટેલ્સનો સમાવેશ થાય છે જે નેતાઓ અને વડા પ્રધાનો માટેના બિઝનેસ માટે પસંદગીના સ્થળો બની ગયા છે.
સંજયને 2019માં ગ્રૂપ સ્ટ્રેટેજી ડિરેક્ટર અને ત્યાર બાદ 2022માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે ગ્રૂપના ભાવિ માટેનું વિઝન સેટ કર્યું હતું તેમજ હાલના પોર્ટફોલિયોને નવા સેક્ટરમાં વૈવિધ્યીકરણ કરવાનું ચાલુ રાખ્યું હતું. અરોરા હોટેલ્સ ગ્રૂપમાં સોફિટેલ લંડન હીથ્રો, નોવોટેલ લંડન સ્ટેન્સ્ટેડ, ઇન્ટરકોન્ટિનેન્ટલ® લંડન – ધ O2 અને અન્ય પ્રખ્યાત મિલકતો ધરાવે છે, જેમાં હાલમાં બે નવી હોટેલો વિકાસ હેઠળ છે.
તેમના મહત્વાકાંક્ષી સાહસોમાં લ્યુટન હૂ હોટેલ, ગોલ્ફ એન્ડ સ્પા છે, જે ભવિષ્ય માટે સંજયની આકાંક્ષાઓને સમાવીને, ગોલ્ફ માસ્ટર્સનું આયોજન કરવાની કલ્પના કરે છે.
જાણીતા ગુજરાતી સખાવતી વ્રજ પાનખણીયા અને પરિવારને ફિલાન્થ્રોપી એવોર્ડ અર્પણ કરાયો
જાણીતા ગુજરાતી સખાવતી વ્રજ પાનખણીયા અને પરિવારને ફિલાન્થ્રોપી એવોર્ડ અર્પણ કરાયો હતો. પાનખણીયા એક સામાજિક અંતરાત્મા ધરાવતા ઉદ્યોગસાહસિક છે. તેમણે એકવાર કહ્યું હતું કે “સફળતા સાથે સમૃદ્ધિનો તેજસ્વી પ્રકાશ સમાજના એવા ભાગો સુધી પહોંચવો જરૂરી છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે અને તેની ખાતરી કરવાની નૈતિક જવાબદારી આપણી રહે છે.”
1975માં, પાનખણીયાએ વેસ્ટકમ્બ ગ્રુપ શરૂ કરવા માટે થોડી રકમ ઉધાર લીધી હતી જે હવે યુકેના સૌથી સફળ નિષ્ણાત રેસીડેન્શીયલ ડેવલપર્સમાંનું એક બની ગયું છે.
ત્રણ દાયકામાં તેમણે વેસ્ટકમ્બ ફાઉન્ડેશન દ્વારા લાખો પાઉન્ડનું દાન આપ્યું છે અને ભારતમાં નબળી સેવાઓ જોયા પછી કેન્સરની સારવારમાં પરિવર્તન, આફ્રિકામાં કૃત્રિમ અંગોનું વિતરણ, ભૂકંપગ્રસ્ત નેપાળમાં શાળાઓના પુનઃનિર્માણ સુધીના દરેક પ્રોજેક્ટ સાથે તેઓ વ્યક્તિગત રીતે સંકળાયેલા છે.
બ્રિટનમાં કોસ્ટ ઓફ લાઇફ ક્રાઇસીસ રાષ્ટ્રને પરેશાન કરી રહી છે ત્યારે ભયંકર ગરીબીમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સેન્ટરપોઇન્ટ, ક્રાઇસિસ અને ટ્રસેલ ટ્રસ્ટને તેઓ સમર્થન આપે છે.
ઈસ્ટર્ન આઈ ઈન્સ્પાયર એવોર્ડ બેંક ઓફ ઈંગ્લેન્ડ મોનેટરી પોલિસી કમિટીના બાહ્ય સભ્ય ડૉ. સ્વાતિ ઢીંગરાને અર્પણ
ઈસ્ટર્ન આઈ ઈન્સ્પાયર એવોર્ડ બેંક ઓફ ઈંગ્લેન્ડ મોનેટરી પોલિસી કમિટીના બાહ્ય સભ્ય ડૉ. સ્વાતિ ઢીંગરાને આપવામાં આવ્યો હતો. ઢીંગરાએ પ્રિન્સટન યુનિવર્સિટીમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલો બનતા પહેલા દિલ્હી યુનિવર્સિટી અને પછી વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. હવે તેઓ LSE ખાતે ઇકોનોમિક્સના એસોસિએટ પ્રોફેસર હોવાની સાથે તેઓ દેશના અગ્રણી ઇકોનોમિસ્ટમાંના એક છે અને MPC પેનલના પ્રતિષ્ઠિત સભ્ય છે, જેમણે વ્યાજ દરોમાં તાજેતરના વધારા પ્રત્યે વધુ સાવધ અભિગમ અપનાવ્યો છે.
ઢીંગરા ધ રોયલ મિન્ટ મ્યુઝિયમના ડાયરેક્ટર અને યુકેની ઈકોનોમી 2030 ઈન્ક્વાયરી માટેના સ્ટીયરિંગ ગ્રુપના સભ્ય પણ છે. તેઓ યુકેની ટ્રેડ મોડલિંગ રિવ્યુ એક્સપર્ટ પેનલ અને એલએસઈના ઈકોનોમિક ડિપ્લોમસી કમિશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ જાન્યુઆરી 1 થી રિવ્યુ ઓફ ઈકોનોમિક સ્ટડીઝના ડિરેક્ટર છે.
2021 માં કાઉન્સિલ ઓફ ધ રોયલ ઈકોનોમિક સોસાયટીમાં ચૂંટાયેલા ઢીંગરા, જર્નલ ઓફ ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ એન્ડ ધ રીવ્યુ ઓફ ઈકોનોમિક સ્ટડીઝના સંપાદકીય બોર્ડમાં સેવા આપે છે