શૈલેષ સોલંકી દ્વારા
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે એશિયન, બ્લેક અને લઘુમતી વંશીય સમુદાયના સભ્યો શા માટે કોરોના વાઈરસના રોગચાળાથી અસાધારણ રીતે પીડાય છે તે બાબતે થઇ રહેલી તપાસના “મજબૂત તારણો” તાકીદે રજૂ કરવાનું વચન આપ્યું છે.મંગળવારે (5 એપ્રિલ) ‘ગરવી ગુજરાત’ સાથેની એક ખાસ મુલાકાતમાં, હેન્કોકે કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની આગેવાની હેઠળની આ તપાસના “ઝડપી તારણ” આ મહિનાના અંત સુધીમાં આવી જશે અને એકવાર આ તારણો જાહેર થયા બાદ જરૂરી સુધારા અમલી બનાવાશે.
હેલ્થ સેક્રેટરીએ વર્ચ્યુઅલ વિડિયો ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19 માં પોતાનો જીવ ગુમાવનારા લોકોના અમે ઋણી છીએ.” મંગળવારે બહાર આવ્યું હતુ કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 32,313 થઇ છે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના સાપ્તાહિક આંકડા મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ 1,361 એશિયન લોકો જીવલેણ વાઈરસથી મૃત્યુ પામ્યા છે, જ્યારે આફ્રિકન અને કેરેબિયન મૂળના 1,022 લોકો મરણ પામ્યા છે.
તાજા આંકડા મુજબ બ્રિટન રોગચાળાથી પ્રભાવિત સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પૈકીનો એક છે જે રોગચાળાએ વિશ્વભરમાં 250,000થી વધુ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીના આંકડા મુજબ યુકે કરતા પાંચ ગણી વધારે વસ્તી ધરાવતા યુ.એસ.માં બ્રિટન કરતા વધુ લોકો વાઈરસથી મરણ પામ્યા છે.
વિસ્તૃત મુલાકાતમાં હેલ્થ સેક્રેટરીએ એનએચએસમાં સેવા આપતા માઇગ્રન્ટ કર્મચારીઓની સેવાની સરાહના કરી હતી. ફ્રન્ટલાઈન સ્ટાફ દ્વારા કરાતા પીપીઇના ઉપયોગ માટેની માર્ગદર્શિકાનો બચાવ કરતા કહ્યું હતું કે તેઓ ક્લિનિકલ સલાહને અનુસરી રહ્યા છે. તેમણે એમ પણ સ્વીકાર્યું હતુ કે સરકારનો સંવાદ વધુ સારો કરી શકાયો હોત, કોમ્યુનિટી ફાર્મસી માટેના તેમના સમર્થનની પણ તેમણે વાત કરી હતી.
સોમવારે તા. 4 ના રોજ સરકારે જાહેર કર્યું હતુ કે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની (લંડન વિસ્તારના હેડ કેવિન ફેન્ટનના વડપણ હેઠળ) સમીક્ષામાં કોવિડ-19ના કારણે લોકોના સ્વાસ્થ્ય પરિણામોને વંશીય, લિંગ અને મેદસ્વીપણાથી કેવી રીતે અસર થાય છે તેનું વિશ્લેષણ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે NHS સ્ટાફ માટેના આરોગ્ય પરિણામો પરના ડેટાનુ વિશ્લેષણ મે માસના અંત સુધીમાં પ્રકાશિત કરાશે. હેન્કોકે ફેન્ટનને ખૂબ આદરણીય અને પ્રખ્યાત પબ્લિક હેલ્થ ક્લિનિશિયન તરીકે વર્ણવ્યા હતા.
હેનકોકે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતુ કે “બધી જુદી જુદી વિચારણાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે. શરૂઆતમાં, શહેરી વિસ્તારોમાં રોગચાળાથી મોટી જાનહાની થઇ છે અને આપણે જાણીએ છીએ કે એશિયન, બ્લેક અને માઇનોરીટી એથનિક સમુદાય તેમજ શહેરી વિસ્તારો વચ્ચે જોડાણ વધારે છે. જ્યારે તમે પાછા હટીને પ્રશ્ન પૂછો છો ત્યારે માત્ર એશિયન, બ્લેક અને માઇનોરીટી એથનિક સમુદાયની પૃષ્ઠભૂમિના કેટલા લોકો કોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત છે તે જ નહીં, પરંતુ અમે તેમના વિશે શું કરી શકીએ છીએ અને કયા વધારાના રક્ષણની જરૂર છે અને સમસ્યાના મૂળમાં શું છે તે પણ જાણવાની જરૂર છે.’’
“અમે આંતરરાષ્ટ્રીય અભ્યાસથી જાણીએ છીએ કે હેલ્થ કેર કર્મચારીઓને ચેપથી થઇ શકે તેવો રોગ થવાની, ખાસ કરીને આ રોગચાળામાં ચેપ લાગવાની સંભાવના વધારે છે. અમને જે સવાલ પૂછાઇ રહ્યો છે તે એ છે કે શા માટે તે અપ્રમાણસર સંખ્યામાં થઇ રહ્યો છે? ”
કોવિડ-19 ના કારણે અવસાન પામેલા પ્રથમ કેટલાક ડોકટરોમાં બધા જ એશિયન, બ્લેક અને માઇનોરીટી એથનિક સમુદાયના હતા અને આંકડાઓએ પણ બતાવ્યું છે કે ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ્સમાં કોવિડ-19ની સારવાર લેતા આશરે 2,000 દર્દીઓમાં 35 ટકા લોકો અશ્વેત હતા, જ્યારે તેની તુલનામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તેમની વસ્તી 14 ટકા જેટલી જ હતી.
ગત સપ્તાહે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિસ્કલ સ્ટડીઝ (આઈએફએસ) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ બ્રિટીશ બ્લેક આફ્રિકન અને બ્રિટિશ પાકિસ્તાનીઓનો ઇંગ્લિશ હોસ્પિટલોમાં કોરોના વાઈરસથી થતા મૃત્યુનો દર શ્વેત લોકો કરતા અઢી ગણો હતો.
હેન્કોકે કહ્યું હતુ કે “હું પ્રારંભિક તારણો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા કટિબધ્ધ છું અને અમે ઉપયોગમાં લીધેલી માહિતી અને તેની પાછળના વિજ્ઞાન તથા અમને જે ડેટા મળ્યો છે તેના વિશે સંપૂર્ણ પારદર્શક રહેવાનું નક્કી કર્યું છે, જેથી દરેક વ્યક્તિ તે અભ્યાસ જોઇ શકે અને આપણે વધુ શું કરવાની જરૂર છે તેના વિશે ચર્ચા થઈ શકે.
આમાંના કેટલાક વિષયો સંવેદનશીલ છે અને આપણે ખાતરી કરવી પડશે કે આપણે શક્ય તેટલા ખુલ્લા અને પારદર્શક રહીએ.”તેમણે ઉમેર્યું હતું કે, “રોગચાળાને કાબુમાં લેવાના પ્રયાસરૂપે આપણે જે કઈં કરી રહ્યા છીએ તે દરેકના ભલા માટે છે. જો કે, આપણે તેની વધુ મજબૂત અસર થાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ, તેથી જેમને સૌથી વધુ અસર થઈ રહી છે તેવા ગ્રુપ્સ તરફ આપણે વધારે ધ્યાન આપવું જરૂરી છે.”
હેલ્થ સેક્રેટરીએ હેલ્થ કેર તેમજ કેર ગિવિંગ ક્ષેત્રના એશિયન્સ તેમજ બ્લેક કાર્યકરોના પ્રદાનના ગૌરવ વિષે વાત કરતાં કહ્યું હતું કે, આ રોગચાળાની વ્યાપક કટોકટીમાં તેઓ આશાની એક નાનકડી, રૂપેરી રેખા છે. બ્રિટિશ લોકોને હવે એ વાતનું ભાન થયું છે કે, વિદેશથી અહીં પોતાની કારકિર્દી, પોતાનું ભાગ્ય ઘડવા આવેલા લોકોના પ્રદાન સિવાય આપણે NHSનું સંચાલન કરી શકીએ તેમ છે જ નહીં. આ લોકોએ પોતાની સેવાઓ NHSને સમર્પિત કરી છે.
જો કે, પુરતા પ્રમાણમાં પીપીઈના અભાવ વિષે ચિંતા દર્શાવતા આ લોકોને અટકાવાયા તેની પાછળ NHSમાં સંસ્થાગત બની ગયેલું રેસિઝમ જવાબદાર હોવાની ટીકાની વાત કરાતાં હેલ્થ સેક્રેટરીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “મારા માટે તે ચિંતાજનક બાબત છે, હું માનું છું કે, મને આશા છે કે, તે વાત ખરી નથી.”
આવું રેસિઝમ વાસ્તવમાં હોય તો તેના ઉદાહરણો વિષે મારે માહિતી જોઈએ છે, હું ઈચ્છું છું કે લોકો એવી વાતો જાહેર કરે. કોવિદ-19ના રોગચાળા દરમિયાન મેં પોતે તો આવા કોઈ રેસિઝમના નક્કર પુરાવા નિહાળ્યા નથી અને મને લાગે છે ત્યાં સુધી સંબંધિત લોકો આ પડકારનો પ્રસંગોચિત સામનો કરવા સજ્જ હતા.
રેસિઝમ હોવાની વાત હું સદંતરપણે નકારતો નથી પણ, મેં એવા કોઈ વ્યક્તિગત કિસ્સા જોયા નથી, બેશક હું એવો કોઈ કિસ્સો નિહાળીશ, તો તે વિષે ચોક્કસપણ પગલાં લઈશ.
મને ખરેખર એવી ખૂબ ખૂબ આશા છે કે, રેસિઝમ નથી, પણ એવું હોય તો સંબંધિત લોકોએ તેના વિષે હિંમતભેર વાત કરવી જોઈએ.
રોગચાળો ફાટી નિકળ્યો ત્યારથી કેટલાક ડોક્ટર્સ તેમજ હેલ્થ વર્કર્સે પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ)ના પુરતા પ્રમાણમાં પ્રાપ્યતાના અભાવ વિષે ફરિયાદ કરી હતી અને હેન્કોકે તે વાતને સ્વિકૃતિ આપતાં કહ્યું હતું કે, આ કટોકટીમાં પીપીઈ પણ મોટા પડકારોમાંનો એક રહી છે.
ફ્રન્ટલાઈન ઉપર કાર્યરત એક ડોક્ટરે પોતાની વિતકકથા રજૂ કરતાં કહ્યું હતું કે, પુરતા પ્રમાણમાં પીપીઈના અભાવની સ્થિતિમાં પોતે શિફટ પુરી કર્યા પછી ઘેર જાય ત્યારે પોતાના પરિવારજનોને ચેપ લાગવાનું જે જોખમ રહે છે, તેના ખ્યાલથી તેને રાત્રે ઉંઘમાં પણ ડરામણા સ્વપ્ન આવે છે.
હેન્કોકે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, પીપીઈની બધી જ ગાઈડલાઈન્સ આ ક્ષેત્રના નિષ્ણાતોએ બનાવેલી છે. તે ચેપી રોગચાળાના સર્વશ્રેષ્ઠ પુરાવાઓ તેમજ ક્લિનિકલ સલાહ ઉપર આધારિત છે. અમે અપડેટ કરેલી પીપીઈ ગાઈડલાઈન્સ રજૂ કરી તે બીએમએ, રોયલ કોલેજ ઓફ નર્સિંગ તથા અન્યોના સહયોગથી કરી હતી. આ ગાઈડલાઈન્સ ખૂબજ સંભાળપૂર્વક, ક્લિનિકલ જરૂરતો શું છે, તેના આધારે તૈયાર કરાઈ છે.
હું માનું છું કે, લોકોને યોગ્ય સ્તરનું પ્રોટેક્શન મળવું ખૂબજ મહત્ત્વનું છે. હું પોતે પણ પ્રોટેક્શનનું યોગ્ય સ્તર શું છે તે જાણવા ક્લિનિકલ સલાહ લઉં છું. અને તે પછી ચોક્કસપણે એની તકેદારી લઈશ કે તે ધોરણો અનુસારનું પ્રોટેક્શન પુરૂં પડાય.
બેશક, હું સમજી શકું છું કે, કેટલાક લોકો એવું પણ કહી શકે છે કે, તેઓ વધુ ઉચ્ચ સ્તરનું પ્રોટેક્શન મેળવવાનું પસંદ કરે, પણ જ્યારે ક્લિનિકલ સલાહ એવું કહેતી હોય કે પ્રોટેક્શનનું આ સ્તર પુરતું છે અને તે મુદ્દે સંબંધિત લોકોમાં વ્યાપક સ્તરે સર્વસંમતિ હોય, તે ‘હુ’ના ધોરણો કરતાં વધુ ઉચ્ચ સ્તરનું પ્રોટેક્શન હોય, ત્યારે મારી જગ્યાએ બેઠેલી વ્યક્તિએ, મારા મતે વૈજ્ઞાનિક ઢબે નક્કી થયેલી વાતને પ્રાધાન્ય આપવાનું યોગ્ય રહે, કેટલાક લોકોના નિર્ણય કે અભિપ્રાયને નહીં.