અમેરિકામાં મતદાન કરવા માટે લાયકાત ધરાવતા એશિયનોની સંખ્યા છેલ્લાં બે દસકામાં અને 2020થી આસમાને પહોંચી છે, તેવું એક નવા સર્વેમાં જણાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશમાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી પણ યોજાશે. ગત બુધવારે જાહેર કરેલા ‘કી ફેકટ્સ અબાઉટ એશિયન અમેરિકન એલિજિબલ વોટર્સ ઇન 2024’ શીર્ષક હેઠળના રીપોર્ટ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં યોગ્યતા ધરાવતા એશિયન અમેરિકન મતદારોની વસ્તીમાં 15 ટકાનો વધારો થયો છે, જે તમામ યોગ્ય મતદારોના ત્રણ ટકાના વૃદ્ધિ દરથી ઘણો વધારે છે, તેના કારણે તેઓ અમેરિકામાં સૌથી ઝડપથી વિકસતા મતદારો બની શક્યા છે. પ્યુ રીસર્ચ સેન્ટરના અભ્યાસ પ્રમાણે, નવેમ્બરમાં અંદાજિત 15 મિલિયન એશિયન અમેરિકનો મતદાન કરવા માટે યોગ્યતા ધરાવતા હશે. આ ગ્રુપ યોગ્યતા ધરાવતા મતદારોથી માત્ર 6 ટકા વધુ છે, પરંતુ આ વૃદ્ધિને કારણે યોગ્યતા ધરાવતા હિસ્પેનિક મતદારો પાછળ રહી ગયા છે, તેમનામાં 12 ટકાના દરે વધારો થયો હતો. સંશોધનમાં જણાવાયું છે કે, એશિયન અમેરિકનો સામાન્ય રીતે ડેમોક્રેટિકની તરફેણમાં હોય છે.
પ્યુ રીસર્ચ સેન્ટરના વિશ્લેષણ મુજબ 2020માં, 72 ટકા અંગ્રેજી બોલી શકતા, એક વંશી, બિન-હિસ્પેનિક એશિયન મતદારોએ કહ્યું હતું કે, તેમણે પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ડેમોક્રેટ જો બાઇડેનને મત આપ્યો હતો, જ્યારે 28 ટકા મતદારોએ રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો. 2022ની સ્થિતિ મુજબ, મોટાભાગના એશિયન અમેરિકન મતદારો (55 ટકા) માત્ર પાંચ રાજ્યોમાં વસે છે. કેલિફોર્નિયામાં અત્યાર સુધીમાં સૌથી વધુ સંખ્યામાં (4.4 મિલિયન) એશિયન અમેરિકન મતદારો નોંધાયા છે. સમગ્ર એશિયન અમેરિકન મતદારોના અંદાજે ત્રીજા ભાગના (31 ટકા)લોકો આ રાજ્યમાં રહે છે. સૌથી વધુ એશિયન અમેરિકન મતદારો ધરાવતાં રાજ્યોમાં ન્યૂયોર્ક (1.2 મિલિયન), ટેક્સાસ (1.1 મિલિયન), હવાઈ (580,000) અને ન્યૂજર્સી (575,000)નો સમાવેશ થાય છે.
હવાઈમાં જ્યાં એશિયન અમેરિકન મતદારો 55 ટકા હિસ્સો ધરાવે છે, તે એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં અશ્વેત જૂથ બહુમતી ધરાવે છે. આ રાજ્યમાં એશિયનોનો સૌથી વધુ હિસ્સો પણ છે, જેમાં દર 10માંથી 7 એશિયનો મતદાન માટે નોંધાયેલા છે. આ જૂથની કેલિફોર્નિયામાં પણ 17 ટકા જેટલી નોંધપાત્ર હાજરી ધરાવે છે, નેવાડામાં આ સંખ્યા 11 ટકા છે, ત્યાં મોટાભાગના લોકો અમેરિકન નાગરિક નથી. ગ્રીન કાર્ડ ધારકો અને જેઓ કાયમી રહેવાસી બનવાની પ્રક્રિયા હેઠળ છે તેઓ મતદાન કરી શકતા નથી. મતદાન માટે લાયકાત ધરાવતા લોકોમાં, વંશીય જૂથમાં અમેરિકામાં જન્મેલા લોકોની સામે આપોઆપ નાગરિક બનેલા લોકોનું પ્રમાણ સૌથી વધુ છે.