એશિયા કપ ટી-૨૦ના આરંભે એક સપ્તાહ અગાઉ રવિવારે (28 ઓગસ્ટ) ભારતે પાકિસ્તાનને હરાવ્યા પછી હરીફ ટીમ ખાતું સરભર કરતી હોય તેમ બીજા રવિવારે સુપર ફોર રાઉન્ડના મુકાબલામાં પાકિસ્તાને ખૂબજ ધીરજ અને કુનેહપૂર્વક રમી ભારતને પાંચ વિકેટે હરાવી જાણે ખાતું સરભર કરી દીધું હતું. સુકાની બાબર આઝમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ઘણી સારી, આક્રમક શરૂઆત પછી ભારતની મિડલ ઓર્ડર બેટિંગ ખાસ સફળ નહીં રહેતાં ભારત 7 વિકેટે 181 રન સુધી જ પહોંચી શક્યું હતું. આ સ્કોરમાં વિરાટ કોહલીના 44 બોલમાં 60 રન મુખ્ય રહ્યા હતા.
જો કે પાકિસ્તાને ઓપનર રીઝવાનના ૫૧ બોલમાં ૭૧ અને નવાઝના ૨૦ બોલમાં ૪૨ રનની ધમાકેદાર બેટિંગ સાથે ૧૯.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૮૨નો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. નવાઝને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારત માટે આ પરાજય પછી ફાઈનલમાં પ્રવેશવા માટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામેની બંને મેચમાં વિજય જરૂરી બની ગયો છે. પાકિસ્તાનને છેલ્લી બે ઓવર ૨૬ રનની જરુર હતી, ત્યારે આસિફ અલીએ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં એક છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૧૯ રન લીધા હતા.
છેલ્લી ઓવરમાં વિજય માટે પાકિસ્તાનને ૭ રનની જરુર હતી, ત્યારે થોડા રોમાંચ પછી છેલ્લા બે બોલમાં બે રન કરવાના હતા અને નવા બેટસમેન ઈફ્તિખારે ફૂલટોસ પર બે રન લીધા હતા અને પાકિસ્તાનને વિજયી બનાવ્યું હતુ.
ભારતે પોતાની ઈનિંગની સારી શરૂઆત કરી હતી. રોહિત (૨૮) અને રાહુલ (૨૮)ની જોડીએ ૩૧ બોલમાં ૫૪ રન કર્યા હતા, પણ એ પછી સૂર્યકુમાર ૧૩, પંત ૧૪, હાર્દિક પંડયા ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ભારતનો મિનિ ધબડકો થયો હતો. એ પછી કોહલી અને હુડાએ ૨૪ બોલમાં ૩૭ રનની ભાગીદારી કરી હતી.
હોંગ કોંગ સામે ભારતનો 40 રને વિજયઃ અગાઉ, શનિવારે (3 ઓગસ્ટ) હોંગ કોંગ સામેની મેચમાં ભારતનો 40 રને વિજય થયો હતો અને એ સાથે ભારતે સુપર ફોરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
પહેલા બેટિંગ કરતાં ભારતે બે વિકેટે 192 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગમાં ફક્ત 26 બોલમાં છ છગ્ગા અને છ ચોગ્ગા સાથે અણનમ 66 રન કર્યા હતા, તો કોહલીએ 44 બોલમાં અણનમ રહી 59 રન કર્યા હતા. ઓપનર કે. એલ. રાહુલે 36 અને સુકાની રોહિત શર્માએ 21 રન કર્યા હતા.
આટલા જંગી ટાર્ગેટ સામે જો કે હોંગ કોંગના બેટ્સમેને પણ જુસ્સાભેર બેટિંગ કરી પાંચ વિકેટે 152 રન કર્યા હતા. બાબર હયાતે ૩૫ બોલમાં ૪૧, કિંચિત શાહે ૨૮ બોલમાં ૩૦ અને ઝીશાન અલીએ ૧૭ બોલમાં અણનમ ૨૬ રન કર્યા હતા. ભારતીય ઈનિંગમાં સૂર્યકુમાર-કોહલીની જોડીએ છેલ્લી ત્રણ ઓવરમાં ૫૪ રન ઝુડી નાખ્યા હતા, તેમાંથી થોડા ઓછા રન થયા હોત, તો આ મુકાબલો રોમાંચક બની શક્યો હોત.
પાકિસ્તાન સામે હોંગ કોંગનો ધબડકો, 155 રને હાર્યુઃ
ગયા સપ્તાહે શુક્રવારે પાકિસ્તાને તેની બીજી ગ્રુપ મેચમાં હોંગ કોંગ સામે બે વિકેટે 193 રન કર્યા પછી હોંગ કોંગની બેટિંગનો ધબડકો થતાં તે 11મી ઓવરમાં જ ફક્ત 38 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને પાકિસ્તાનનો 155 રને જંગી વિજય થયો હતો. એ સાથે જ પાકિસ્તાને સુપર ફોરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, તો હોંગ કોંગ એલિમિનેટ થઈ ગયું હતું.
હોંગકોંગનો એકપણ બેટસમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો, સૌથી વધુ ૧૦ રન એક્સ્ટ્રાના હતા. શાદાબ ખાને ૮ રનમાં ચાર અને નવાઝે પાંચ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. નસીમ શાહને ૭ રનમાં બે વિકેટ મળી હતી.