ગયા સપ્તાહે પુરી થયેલી એશિયા કપ પુરૂષોની હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ફાઈનલમાં પહોંચી શક્યું નહોતું અને તેણે ત્રીજા – ચોથા સ્થાન માટેના જંગમાં જાપાનને 1-0થી હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારત અને જાપાન વચ્ચેની બ્રોન્ઝ મેડલ મેચમાં એકમાત્ર ગોલ સાતમી મિનિટે રાજ કુમાર પાલે કર્યો હતો. જાપાનની ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. સાઉથ કોરિયાએ ફાઈનલમાં ૨-૧થી મલેશિયાને હરાવીને રેકોર્ડ પાંચમી વખત એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ફક્ત બે-ત્રણ સિનિયર ખેલાડીઓની સાથે મોટાભાગના યુવા ખેલાડીઓને સ્પર્ધામાં ઉતાર્યા હતા. બ્રોન્ઝ મેડલના જંગમાં આ યુવા ખેલાડીઓએ લડાયક દેખાવ કરી ટીમને સફળતા અપાવી હતી. ગોલકિપર સુરજે શાનદાર દેખાવ કરતાં જાપાનના આક્રમણ નિષ્ફળ બનાવ્યા હતા.
ભારતે ૧૯૯૯ પછી આ બીજી વખત એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ભારત છેલ્લા નવ વર્ષમાં પહેલી વખત ફાઈનલમાં પ્રવેશ ચૂકી ગયું હતુ. ૨૦૧૩માં ફાઈનલમાં ભારતનો સાઉથ કોરિયા સામે પરાજય થયો હતો, જ્યારે ૨૦૧૭માં ભારતે મલેશિયાને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ.
ઈન્ડોનેશિયાના જાકાર્તામાં રમાયેલી ફાઈનલમાં સાઉથ કોરિયાને ૧૭મી મિનિટે જુંગ માન-જાઈએ સરસાઈ અપાવી હતી. મલેશિયાએ ૨૫મી મિનિટે ચોલાના ગોલથી બરાબરી કરી હતી. મેચની ૮ મિનિટ બાકી હતી, ત્યારે હ્વાંગ ટાઈ-આઇલે ગોલ કરી સાઉથ કોરિયાને ૨-૧ની સરસાઈમાં મુકી દીધું હતું, જે નિર્ણાયક સાબિત થઈ હતી.