પાકિસ્તાન અને શ્રીલંકાના યજમાન પદે બુધવાર, 30 ઓગસ્ટે સાધારણ સમારંભમાં એશિયા કપનો પ્રારંભ થયો હતો. મુલ્તાન સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ ચાલુ થઈ હતી. એશિયા કપ 2023માં કુલ 13 મેચો રમાશે. એશિયા કપમાં બીજી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રોમાંચક બનશે.
પ્રથમ તબક્કામાં ગ્રુપની ટીમો એકબીજા સાથે મેચ રમશે. જે બાદ બંને ગ્રુપની ટોપ 4 ટીમ સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય થશે. સુપર 4માં ટોચની 4 ટીમો પછી એકબીજા સાથે મેચ રમશે. દરેક ટીમની સુપર 4માં અન્ય ટીમ સાથે મેચ થશે. ટોચની 2 ટીમો 17 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલમાં ટકરાશે.
ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે, જયારે ગ્રુપ-Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ છે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાવાનો છે.
એશિયા કપમાં ભારત સૌથી મજબૂત દાવેદાર ટીમ છે, પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ પોતાની ક્ષમતા મુજબનો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. છ વખત એશિયા કપ જીતી ચૂકેલું શ્રીલંકા સામે અનેક સમસ્યાઓ છે. ચામીરા, હસરંગા, લાહિરુ કુમારા તથા દિલશાન મધુશનાકા જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. બાંગ્લાદેશની તૈયારીઓને પણ ઈજાના કારણે ફટકો પડયો છે. અન્ય ટીમોની મુશ્કેલીઓને જોતાં પાકિસ્તાન વધારે બેલેન્સ ટીમ લાગે છે અને તે ટ્રોફી જીતવાના તમામ પ્રયાસ કરશે. વર્લ્ડ કપ પાંચમી ઓક્ટોબરથી રમાવાનો હોવાના કારણે નેપાળને બાદ કરતાં પાંચ ટીમો પાસે ખેલાડીઓ અંગેના કેટલાક પ્રશ્નોના ઉકેલ શોધવાની છેલ્લી તક પણ રહેશે.
ભારત અને પાકિસ્તાન બંને ગ્રૂપ-એનો હિસ્સો છે અને તેમાં ત્રીજી ટીમ નેપાળની છે. જો બંને ટીમો નેપાળને હરાવશે તો 10મી સપ્ટેમ્બરે સમર્થકોને ભારત અને પાકિસ્તાનનો વધુ એક મુકાબલો જોવા મળશે.