ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ રાજકોટમાં પુરી કરી હતી. 500 શિકારનો આંકડો પાર કરનારો તે ફક્ત બીજો ભારતીય બોલર બન્યો છે. આ પહેલા અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં 500 વિકેટનો રેકોર્ડ કર્યો હતો, તેની સામે અશ્વિને 98મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિશ્વ ક્રિકેટમાં પણ તેની પહેલા ફક્ત 8 બોલર્સ 500 વિકેટની સફળતા મેળવી શક્યા હતા. સૌથી ઝડપી 500 વિકેટનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલિધરનનો છે, તેણે ફક્ત 87 ટેસ્ટ મેચમાં આ આંકડો વટાવ્યો હતો. તેના પછી અશ્વિન બીજા ક્રમે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ, ઈંગ્લેન્ડ અને ભારતના બે-બે તથા વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના એક-એક બોલર્સ છે.
અશ્વિને સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયા સામે 22 ટેસ્ટ મેચમાં 114 વિકેટ અને ઈંગ્લેન્ડ સામે 22 ટેસ્ટ મેચમાં 98 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડનો સુકાની બેન સ્ટોક્સ તેનો ફેવરિટ શિકાર છે, અશ્વિને સ્ટોક્સને 12 વખત પેવેલિયન ભેગો કર્યો છે, તો ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 11 વખત અશ્વિનના હાથે આઉટ થયો છે.