ભારતની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક કોટક મહિન્દ્રા બેંકના CEO અને MD તરીકે ઉદય કોટકના રાજીનામા પછી શનિવારે ઇન્ટરનેશનલ બેન્કર અશોક વાસવાણીને નવા એમડી અને CEO તરીકે નિયુક્તિ કરાયાં હતાં. ટોચના નેતૃત્વની ભૂમિકામાં એક આંતરિક વ્યક્તિની નિમણૂકની નિષ્ણાતોની આગાહીથી વિપરીત કોટક મહિન્દ્રા બેંકે “ગ્લોબલ ઈન્ડિયન”ની નવા સીઇઓ તરીકે નિયુક્તિ કરીને તેમને વતન પરત બોલાવ્યાં છે. વાસવાણી બેંકના સ્થાપક ઉદય કોટક બાદ બેંકનો હવાલો સંભાળવા જઈ રહ્યા છે. ઉદય કોટકે ડિસેમ્બરમાં તેમનો કાર્યકાળ પૂરો થવાના ચાર મહિના પહેલા જ પદ છોડી દીધું હતું.
બેન્કના ભૂતપૂર્વ CEO અને સ્થાપક ઉદય કોટકે જણાવ્યું હતું કે “અશોક વાસવાણી ડિજિટલ અને કસ્ટમર ફોકસ સાથે વિશ્વ-સ્તરના લીડર અને બેંકર છે. મને ગર્વ છે કે અમે કોટક અને આવતીકાલના ભારતનું નિર્માણ કરવા માટે “ગ્લોબલ ઈન્ડિયન”ને વતનમાં લાવ્યા છીએ.”
અશોક વાસવાણી એઆઈથી લઈને બેંકિંગ સુધીના ક્ષેત્રમાં પુષ્કળ અનુભવ ધરાવે છે. તેમણે સિટીગ્રુપ એશિયા પેસિફિક અને બાર્કલેઝના સીઈઓ તરીકે પણ કામગીરી કરી છે. બાર્કલેઝ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે યુકે રિટેલ બેંકને ડિજિટાઈઝ કરવા અને ઉપભોક્તા અને ચૂકવણીના વ્યવસાયમાં પરિવર્તન લાવવાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.બાર્કલેઝ પહેલા, તેઓ 20 વર્ષ સુધી સિટીગ્રુપમાં હતાં અને એશિયા પેસિફિકના CEO તરીકે સેવા આપી હતી.
ગયા અઠવાડિયે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વાસવાનીની નિમણૂકને મંજૂરી આપી હતી. વાસવાણી હાલમાં યુએસ-ઇઝરાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફિનટેક ફર્મ પગાયા ટેક્નોલોજીના પ્રેસિડન્ટ છે, જેમાં તેઓ જૂન 2022માં જોડાયા હતાં.
તેઓ ચાર્જ સંભાળવાની તારીખથી ત્રણ વર્ષની મુદત માટે સેવા આપશે, જે 1 જાન્યુઆરી, 2024 ની આસપાસ હોવી જોઈએ. વાસવાણી 1 ડિસેમ્બરે 63 વર્ષ પૂર્ણ કરશે. તેઓ એક્સ્ટેંશન માટે પાત્ર છે, કારણ કે ખાનગી બેંકોમાં MD અને CEOની નિવૃત્તિ વય 70 છે.