જાણીતા બ્રિટિશ ઉદ્યોગસાહસિક, ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ્ઝના પૂર્વ ટ્રસ્ટી અને જીનિસિસ ગ્રુપના સ્થાપક સર અશોક રાભેરુનું તા. 23ને શુક્રવારે અવસાન થયું છે. તેઓ 70 વર્ષના હતા અને પત્ની હર્ષિદા અને બાળકો નિકિતા, ઋષિ અને શયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.
સર રાભેરુનો જન્મ તાન્ઝાનિયાના શહેર મોરોગોરોમાં જીવરાજ અને રળિયાતબેનને ત્યાં થયો હતો. તેઓ 10 ભાઈ-બહેનોમાં નવમા નંબરે હતા. તેમના પિતા મૂળ ગુજરાતના વેરાવળના વતની અને પ્રતિષ્ઠિત વેપારી અને ઉદ્યોગસાહસિક હતા.
સર રાભેરુને 15 વર્ષની વયે 1967માં વધુ સારી તકો અને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. તેમણે રિચમન્ડ અપોન થેમ્સમાં કિંગ્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જ્યાં તેઓ હર્ષિદાને મળ્યા હતા અને 1980માં કેન્યામાં લગ્ન કર્યા હતા. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ફીજિક્સમાં બીએસસી અને રોયલ હોલોવે કોલેજમાંથી એપ્લાઇડ મેથ્સમાં એમફીલ કર્યું હતું. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માંથી કમ્પ્યુટિંગમાં અનુસ્નાતક ડિપ્લોમા કર્યું હતું.
તેમણે IT ઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત કરી 1985માં IT સોફ્ટવેર સોલ્યુશન્સ અને પ્રોક્યોરમેન્ટ કંપની, જીનિસિસ ગૃપની સ્થાપના કરી હતી જેની આજે ત્રણ ખંડોમાં ઓફિસો આવેલી છે અને 1,000થી વધુ લોકોને રોજગારી આપે છે. તેઓ 2002માં બેંગ્લોર અને 2005માં બેઈજિંગમાં બિઝનેસ ડેલિગેશનમાં તત્કાલિન વડાપ્રધાન ટોની બ્લેર સાથે ગયા હતા.
તેઓ 2000 થી 2010 સુધી ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડના ટ્રસ્ટી અને 2006માં એવોર્ડની 50મી વર્ષગાંઠ માટે આયોજન અને ભંડોળ એકત્ર કરવા માટેના સ્ટીયરિંગ જૂથના અગ્રણી સભ્ય હતા. તો
2010થી ઈન્ટરનેશનલ જોઈન્ટ ફંડિંગ બોર્ડના અધ્યક્ષ પદે હતા. તેમણે ડ્યુક પ્રિન્સ ફિલિપની શતાબ્દીની ઉજવણીમાં પણ મદદ કરી હતી.
સર રાભેરુ એશિયન સમુદાય સહિત વિવિધ સખાવતી સંસ્થાઓના સક્રિય સમર્થક હતા. તેમણે ગુજરાતમાં નિયમિત નેત્ર શિબિરો માટે ભંડોળ પૂરું પાડ્યું હતું.
તેમને 2011ના નવા વર્ષના ઓનર્સ લિસ્ટમાં કમાન્ડર ઑફ ધ વિક્ટોરિયન ઓર્ડર- CVO એનાયત કરાયો હતો તો બકિંગહામશાયર કાઉન્ટીના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ તરીકે નિમણૂક કરાઇ હતી. 2022માં, તેમને રાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટમાં નાઈટહૂડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ધ ડ્યુક ઓફ એડિનબર્ગના એવોર્ડ માટેના તેમના કામની માન્યતામાં રોયલ વિક્ટોરિયન ઓર્ડરના નાઈટ કમાન્ડર બન્યા હતા.
તેમના જીવન અને વારસાની ઉજવણી કરવા માટે એક સ્મારક સેવા સેન્ટ જેમ્સ ચર્ચ, ગેરાર્ડ્સ ક્રોસ ખાતે યોજવામાં આવનાર છે.