યુકેના મહત્વના રીટેઇલર સુપરમાર્કેટ અને અમેરિકાના વોલમાર્ટની યુકેની પાંખ આસ્ડા સપરમાર્કેટને મૂળ ગુજરાતના ભરૂચ જીલ્લાના મનુબર ગામના વતની અને બ્લેકબર્ન ખાતે રહેતા ઇસા બ્રધર્સે £6.8 બિલીયનમાં ખરીદી લીધુ છે. મોહસીન અને ઝુબેર ઇસા અને ટીડીઆર કેપિટલે સુપરમાર્કેટ ચેઇનમાં માલિકીનો બહુમતી હિસ્સો મેળવી લીધો છે.
યુએસ રિટેલ જાયન્ટ વોલમાર્ટની માલિકીની અસ્ડાએ સુપરમાર્કેટ ચેઇમ મોહસીન અને ઝુબેર ઇસાને વેચવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. ઇજી (યુરો ગેરેજીસ) ગ્રુપના નામે પેટ્રોલ સ્ટેશન અને ટીડીઆરનું સામ્રાજ્ય બનાવનાર મોહસીન અને ઝુબેર ઇસાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે “‘ઘણાં વર્ષોથી બ્રિટીશ બિઝનેસમાં પ્રશંસનીય નામ ધરાવતા આસ્ડામાં રોકાણ કરતા અમને ખૂબ જ ગર્વ થાય છે’.
નવી માલિકીની રચના હેઠળ, ઇસા ભાઈઓ અને ટીડીઆર કેપિટલ બ્રિટનની ત્રીજી સૌથી મોટી સુપરમાર્કેટ ચેઇનને નિયંત્રિત કરશે. વોલમાર્ટ ધંધામાં તેનો લઘુમતી હિસ્સો અને બોર્ડ પરની બેઠક જાળવી રાખશે. ઇસા બ્રધર્સનો કેટલો હિસ્સો હશે અને તે માટે તેમણે કેટલી રકમ ચૂકવી તેની જાહેરાત કરાઇ નથી. નવા બિઝનેસનું કેટલું ઋણ હશે તે પણ ગુપ્ત છે.
1999માં વોલમાર્ટે લીડ્સ સ્થિત આસ્ડાની ખરીદી £6.7 બિલીયનમાં ખરીદી હતી અને તેને નવા વેચાણ થકી મામુલી રકમ જ વધારે મળી છે. યુ.એસ.ની વિશાળ કંપની અસ્ડાએ નાણાકીય ફાયરપાવર હોવા છતાં સ્પર્ધાત્મક ગ્રોસરી માર્કેટમાં ટોચ પર આવવા સંઘર્ષ કર્યો છે. જો કે બજેટ ચેઇન ઑલ્ડી અને લિડલ વિરોધી તરીકે ઉભરી આવ્યા છે.
મોહસિન ઇસાએ કહ્યું હતું કે ‘’આસ્ડાની સંસ્કૃતિ ઇજી ગૃપ જેવી જ છે. આ અમારા માટે માત્ર નાણાકીય રોકાણ નથી. આ માટે અમારા ઉત્તરીય મૂલ્યો કે પેન્નીનેસનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. ઇસા ભાઇઓ કન્વીનીયન્સ, રીટેઇલ તેમજ બ્રાન્ડ પાર્ટનરશીપમાં ઘણાં બધાં અનુભવ ધરાવે છે અને કેએફસી, સ્ટારબક્સ અને ક્રિસ્પી ક્રીમ સાથે પણ ઇજી ગ્રુપ કામ કરે છે.
ઇસા બ્રધર્સે પોતાનો પ્રથમ પેટ્રોલ સ્ટેશન 1999માં લીઝ પર લીધો હતો અને તે જ વર્ષે વૉલમાર્ટે અસ્ડાની ખરીદી કરી હતી. આજે ઇસા બ્રધર્સ 10 દેશોમાં 6,000થી વધુ પેટ્રોલ સ્ટેશન ધરાવે છે. જો કે, EG ગૃપનુ ઝડપી વિસ્તરણ લોન આધારિત છે અને ગયા વર્ષે તેમનું ઋણ £7 બિલીયનનું હતું. આસ્ડાને ઇજી ગૃપ સાથે મર્જ કરવામાં આવશે નહિં. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે તે પાછળનું કારણ કોમ્પીટીશન ઓથોરીટીથી બચવાનું હશે.
આસ્ડાએ કહ્યું હતું કે તેનુ મુખ્યમથક લીડ્સમાં જ રહેશે અને રોજર બર્નલી ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ચાલુ રહેશે. કન્સોર્ટિયમ આગામી ત્રણ વર્ષ સુધી £1 બિલીયન રોકશે અને તેમણે સ્ટાફ માટે “સ્પર્ધાત્મક પગારનું સ્તર જાળવવા”નું વચન આપ્યું છે. જીએમબી યુનિયને જણાવ્યું હતું કે કન્સોર્ટિયમે આસ્ડાના 146,000 કર્મચારીઓની નોકરીની સલામતી વિશે થોડી ખાતરી આપવાની જરૂર છે.
કોમ્પીટીશન એન્ડ માર્કેટ ઓથોરિટી દ્વારા આસ્ડાને તેના મોટા હરીફ સેઇન્સબરીઝ સાથે મર્જ કરવા માટે મંજૂરી ન આપતા વૉલમાર્ટ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ નવા ડીલ માટે પણ રેગ્યુલેટરીની મંજૂરીની જરૂર રહેશે.
મનુબરના ગુજરાતી ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા
બરીમાં પોતાનો પ્રથમ ફોરકોર્ટ ખોલનાર મોહસીન અને ઝુબેર ઇસા મૂળ ભરૂચ જીલ્લાના મનુબર ગામના વતની છે અને તેમના પિતા વલીભાઇ ઇસા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા 1960ના દાયકામાં યુકે આવ્યા હતા.
તેમનું ઇજી ગ્રુપ સૌથી મોટું સ્વતંત્ર પેટ્રોલ સ્ટેશન ઑપરેટર છે અને લગભગ 25,000 લોકોને રોજગારી આપે છે. આસ્ડાની ખરીદી બાદ ઇસા ભાઈઓની નેટવર્થમાં થનારો વધારો બીજાઓને પણ મદદ કરશે. કેમકે તેઓ ઇસ્લામ ધર્મના નિયમ મુજબ કમાણીની 2.5 ટકા રકમ દાનમાં આપે છે. તેમનું ઇસા ફાઉન્ડેશન સ્થાનિક હોસ્પિટલોને સમર્થન આપે છે અને બ્લેકબર્ન અને તેની આસપાસના શાળાના બાળકો માટે મફત નાસ્તો પૂરો પાડે છે. તેમણે ગુજરાતમાં પણ આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ મોટી રકમના દાન આપ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં ઝુબેરે કહ્યું હતુ કે “લોકોને ગરીબીમાંથી મુક્તિ અપાવવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે. અમારા માતાપિતા 1960ના દાયકામાં કશુ જ લીધા વગર યુકે આવ્યા હતા. ‘આભાર’ કહેવાની આ અમારી રીત છે કારણ કે યુકેએ અમને અને અમારા વ્યવસાયને શ્રેષ્ઠ બનાવવાની એક ઉત્તમ તક પૂરી પાડી છે.”
ઝુબેર અને મોહસીનનો જન્મ લેન્કશાયરમાં એક ટેરેસ હાઉસમાં થયો હતો. તેમણે ગયા વર્ષે લંડનના નાઈટ્સબ્રીજમાં £25 મિલિયનનુ મેન્શન ખરીદ્યુ હતુ અને સ્વિમિંગ પૂલ, જિમ, મ્યુઝિક રૂમ અને સિનેમા સાથેનુ બેઝમેન્ટ બનાવવાની યોજના હતી.