સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલા આસારામ બાપુની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામે સુપ્રીમ કોર્ટમાં આયુર્વેદિક સારવાર માટે અરજી કરી હતી.
આ જામીન અરજી ફગાવી દેતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે આયુર્વેદિક સારવાર જેલમાં જ આપવી જોઈએ.આસારામે બે મહિના માટે વચગાળાના જામીન માંગ્યા હતા.
જસ્ટિસ ઇન્દિરા બેનર્જીએ કહ્યું હતું કે સમગ્ર મામલાને જોતા તે સામાન્ય ગુનો નથી, આ કિસ્સામાં આસારામને જામીન આપી શકાય નહીં. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આસારામને જેલમાં જ આયુર્વેદિક સારવાર આપવામાં આવશે. આ અંગે જેલ સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આસારામની જોધપુર પોલીસે વર્ષ 2013માં ધરપકડ કરી હતી અને ત્યારથી તે જેલમાં છે. 74 વર્ષીય આસારામે નીચલી અદાલતથી ટોચની અદાલતમાં અનેક વખત જામીન માટે અરજી કરી છે, જોકે, તેમના હાથ ખાલી રહ્યા છે.