ગાંધીનગરની કોર્ટે મંગળવારે 2013ના રેપ કેસમાં આસારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી. સેશન કોર્ટના જજ ડી કે સોનીએ સજાના પ્રમાણ અંગે દલીલો સાંભળ્યા બાદ તેમના ચુકાદાની જાહેરાત કરી હતી. કોર્ટે અગાઉના દિવસે રેપ કેસમાં 81 વર્ષીય આસારામને દોષિત જાહેર કર્યા હતા.
સેશન્સ કોર્ટે રૂ.50,000નું વળતર પીડિતાને ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. કોર્ટે પુરાવાના અભાવે આસારામની પત્ની સહિત અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, આસારામ બાપુએ 2001 થી 2006 દરમિયાન ઘણી વખત મહિલા પર બળાત્કાર કર્યો હતો. 12 વર્ષ પછી એટલે કે 2013માં સુરતની બે યુવતીઓએ આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાય હતો.
આ કેસમાં કુલ 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ હોવાથી કુલ 8 જેટલા આરોપીઓમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.