ગોતમ અદાણીના વડપણ હેઠળનું અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપની સાઉદી અરામ્કોમાં ઇક્વિટી હિસ્સાની ખરીદી સહિત સાઉદી અરેબિયા સાથે સંભવિત ભાગીદારીની શક્યતા ચકાસી રહ્યું છે.અદાણી ગ્રૂપે સાઉદી અરામ્કો અને દેશના પબ્લિક ઇન્વેસ્ટેન્ટ ફંડ સાથે સંભવિત સહકાર અને સંયુક્ત રોકાણની તક અંગે પ્રાથમિક મંત્રણા કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
અરામ્કોના હિસ્સો ખરીદવા અદાણી ગ્રૂપ રોકડમાં સોદો ન કરે તેવી શક્યતા છે. તે એસેટ સ્વોપ ડીલ કરી શકે છે. ભારતની કંપની રિન્યુએબલ એનર્જી, ક્રોપ ન્યુટ્રિયન્ટ કે કેમિકલ જેવા ક્ષેત્રમાં અરામ્કો કે તેની પેટાકંપનીઓ સાથે જોડાણ કરી શકે છે.
અદાણી ગ્રૂપે તાજેતરમાં સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ પાસેથી સાઉદી અરામ્કોનો હિસ્સો ખરીદવા પ્રથામિક સ્તરની વાતચીત શરૂ કરી છે. થોડા સમય અગાઉ રિલાયન્સ અને અરામ્કોની એક ડીલ તૂટી પડી ત્યાર પછી અદાણી ગ્રૂપ સક્રિય થયું છે. રિલાયન્સ અને અરામ્કો વચ્ચે બે વર્ષ સુધી વાતચીત ચાલી પરંતુ સોદો થઈ શક્યો ન હતો. રિલાયન્સ જૂથ પોતાની રિફાઇનરીનો 20 ટકા હિસ્સો સાઉદી અરામ્કોને 20 બિલિયન ડોલરમાં વેચવાનું હતું. રિલાયન્સ સાથે તેની ડીલ થાય તો નેચરલ ગણાઈ હોત, કારણ કે રિલાયન્સ પાસે જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે. પરંતુ હવે અદાણીને પણ પેટ્રોકેમિકલના બિઝનેસમાં આવવું છે. તેણે ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પાસે 4 બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની યોજના ઘડી હતી જેમાં વિશ્વની મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરવાની હતી, પરંતુ કોવિડના કારણે તેમ થઈ ન શક્યું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી જૂથના વડા ગૌતમ અદાણી અત્યાર સુધી કોઈ બિઝનેસમાં સીધી ટક્કરમાં ઉતરવાનું ટાળતા આવ્યા છે. પરંતુ જો અરામ્કો-અદાણી ડીલ થશે તો બંને ઉદ્યોગપતિએ ટૂંક સમયમાં એકબીજા સામે હરીફાઈમાં ઉતરે તેવી શક્યતા છે.