આસામ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપ નતા હેમંત વિસ્વા સરમાએ સોમવારે આસામના 15માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા રાજ્યના . રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને શપથ લેવાડ્યા હતા. ગોહાટીમાં યોજાયેલા સમારંભમાં મુખ્યપ્રધાનની સાથે 13 ધારાસભ્યોએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનને સતત બીજી વખત બહુમતી મળી હતી. ભાજપે આસામની 126 વિધાનસભા સીટમાંથી 60 સીટ પર જીત હાંસલ કરી છે. જ્યારે ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદે 9 અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલે 6 સીટો પર જીત મેળવી છે.
શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ દેબ, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યપ્રધાન એન બીરેન સિંહ, નાગાલેન્ડના મુખ્યપ્રધાન નીફિઉ રિયો, આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનવાલ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. હેમંત બિસ્વા સરમા અગાઉ કોંગ્રેસમાં હતા, પરંતુ 2015માં ભાજપમાં જોડાયા હતા.