ઉગ્રવાદી ઈસ્લામી વિચારધારાથી પ્રભાવિત એવા બ્રિટિશ મુસ્લિમ ફાઇનાન્સીયલ એનાલીસ્ટ અસદ ભટ્ટીને યુકેની કોર્ટ દ્વારા આતંકવાદ સંબંધિત અનેક ગુનાઓ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમણે પોતાના લેપટોપથી બોમ્બ બનાવવાની ખતરનાક યોજનાઓ માટે માહિતી મેળવી હતી.
સરેના રેડહિલ ખાતે રહેતા 49 વર્ષીય અસદ ભટ્ટીની જાન્યુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદના હેતુ માટે એક લેખ રાખવાના બે ગુનામાં તથા શંકાસ્પદ સંજોગોમાં વિસ્ફોટક પદાર્થ બનાવવા અથવા રાખવાના ત્રણ ગુનાઓમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ભટ્ટી કસ્ટડીમાં છે અને તેને 25 એપ્રિલે તે જ કોર્ટમાં ગુનાઓ માટે સજા સંભળાવવામાં આવશે.
સરેની કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગ સાઉથ ઈસ્ટ (CTPSE)યુનિટના અધિકારીઓને લેપટોપ રીપેર કરનારે ભટ્ટીના લેપટેપમાં કેટલીક શંકાસ્પદ ફાઇલો અંગે માહિતી આપી હતી. જેને આધારે પોલીસે તેના ઘરે અને ભાડે આપેલા સ્ટોરેજ કન્ટેનરમાં તપાસ કરતા પોલીસને કેટલાક રસાયણો, રસાયણશાસ્ત્રના સાધનો, ઇલેક્ટ્રોનિક સર્કિટરી, ‘જેહાદ અને શહાદત’ની એક હેન્ડબુક, પોલીસે બોમ્બ બનાવવા માટેની માર્ગદર્શિકા ધરાવતી USB સ્ટીક અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ મળ્યાં હતાં.