ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર ફરી ખતરાના નિશાનને પાર કરી જતાં દિલ્હીમાં નવેસરથી પૂરનો ખતરો ઊભો થયો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં સતત ભારે વરસાદ વચ્ચે હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુના નદીએ રવિવારે ( ફરીથી ડેન્જર લેવલથી ઉપર ગઈ હતી. રવિવારે બપોરે 4 વાગ્યે નદીમાં પાણીનું સ્તર 206.31 મીટર હતું, જ્યારે સાંજ સુધીમાં વધીને 206.41 મીટર થયું હતું. સોમવાર સવાર સુધીમાં નદીમાં પાણીનું લેવલ વધીને 206.7 મીટર થવાનો અંદાજ છે. આ પછી પાણીનું લેવલ સ્થિર રહેવાની ધારણા છે, એમ સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઇટમાં જણાવાયું હતું.
નદીમાં જળસ્તરમાં વધારાને કારણે વહીવટીતંત્રને રવિવારે નવી ચેતવણી જારી કરવાની ફરજ પડી હતી. લોકોને સાવચેતીના પગલાં તરીકે નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની તાકીદ કરાઈ હતી. દિલ્હીના પ્રધાન આતિશીએ જણાવ્યું હતું કે હથનીકુંડ બેરેજમાંથી શનિવારે યમુનામાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જો પાણીનું સ્તર 206.7 મીટર સુધી વધે તો પૂરના પાણી શહેરમાં ફરી વળવાની શક્યતા છે.
લગભગ 41,000 લોકો યમુનાના નીચાણવાળા વિસ્તારોમાં વસે છે. જુલાઇના બીજા સપ્તાહમાં યમુનામાં પૂર આવ્યું ત્યારે આશરે 27,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યાં હતાં. સરકારે જણાવ્યું હતું કે યમુના જળસ્તરમાં ફરી વધારાને કારણે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનને અસર થવાની ધારણા છે.
યમુના નદીનું જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી જતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે દિલ્હીના એલજી વીકે સક્સેના સાથે યમુના નદીમાં પાણીના સ્તર વિશે ચર્ચા કરી હતી. રવિવારે સવારે યમુનામાં જળસ્તર 205.90 મીટર નોંધાયું હતું, જે 205.90 મીટરના ખતરાના નિશાનથી લગભગ 57 સેન્ટિમીટર ઉપર છે. અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.