લંડનમાં ઇન્ડિયન હાઇકમિશન ખાતે ખાલિસ્તાની તત્વોના દેખાવો દરમિયાન બ્રિટન સરકારની સુરક્ષામાં બેદરકારીનો દેખિતો વિરોધ કરવા માટે ભારતે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇકમિશનની બહારના ટ્રાફિક બેરિકેડ હટાવી દીધા હતા. ભારતની આ હિલચાલ પછી બુધવારે લંડન ખાતેના ઇન્ડિયન હાઇકમિશન ખાતે વધુ પોલીસ અને બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા.
બ્રિટિશ હાઈ કમિશનની બહાર બેરીકેટ્સ હટાવવા અંગે ટિપ્પણી કરતા દિલ્હીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા વ્યવસ્થા… અકબંધ છે. જોકે, કમિશન તરફના માર્ગ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સને કારણે આવનજાવન માટે અવરોધો ઉભા થતાં હતા, જેને હટાવી દેવામાં આવ્યા છે.
બ્રિટિશ હાઈકમિશનના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે સુરક્ષા બાબતો પર ટિપ્પણી કરતા નથી.” ટોચના બ્રિટિશ અધિકારીઓએ કહ્યું છે કે યુકે સરકાર ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને “ગંભીરતાથી” લેશે. તેમણે ભારતીય મિશનમાં તોડફોડને “શરમજનક” અને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવીને વખોડી કાઢી હતી.
અગાઉ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘ સામેની પંજાબ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા લંડનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઇન્ડિયન હાઇ કમિશન પરથી ભારતીય ત્રિરંગો નીચે ઉતારી દેવાની ઘટનાની ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ કર્યા હતા તથા લંડનમાં હાઇ કમિશન સંકુલમાં “સુરક્ષાના અભાવ” અંગે ખુલાસો માંગ્યો હતો. ભારતે ભારતીય રાજદ્વારીઓ અને કર્મચારીઓ પ્રત્યે યુકે સરકારની “ઉદાસીનતા”ને “અસ્વીકાર્ય” ગણાવી હતી. વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિન પાસેથી સુરક્ષાના સંપૂર્ણ અભાવ માટે સ્પષ્ટતા માગવામાં આવી છે. સુરક્ષાના અભાવે આવા તત્વો હાઈ કમિશન પરિસરમાં ઘુસ્યા હતા. યુકેના રાજદ્વારીને વિયેના સંધિ હેઠળ યુકે સરકારની મૂળભૂત જવાબદારીઓ વિશે યાદ અપાવવામાં આવી હતી. ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે યુકે સરકારની ઉદાસીનતા” “અસ્વીકાર્ય” છે.