બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ગુરુવાર 27મેએ ચકચારી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ક્લિનચીપ આપી છે. એનસીબીએ સ્વીકાર્યું છે કે ખાન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.
આ કેસમાં આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં લગભગ 27 દિવસ વિતાવ્યા બાદ 28માં દિવસે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન પર મુક્ત થયો હતો. હવે 6 મહિના બાદ આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB તરફથી ક્લીનચીટ મળી છે.
2 ઓક્ટોબર 2021ના રોજ NCBને મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પર રેવ પાર્ટી વિશે માહિતી મળી. તેના આધારે NCBએ દરોડો પાડવાનો પ્લાન બનાવ્યો અને ટીમ ત્યાં પહોંચી. NCBએ ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા જેમાં શાહરૂખના પુત્ર આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીએ આર્યનના ફોનમાંથી ડ્રગ્સ ચેટ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગના પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. જેના આધારે કોર્ટે ત્રણેય આરોપીઓને 7 દિવસ માટે NCB કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 7 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે NCBએ આર્યન, અરબાઝ અને મુનમુનની કસ્ટડી વધારવાની માંગ કરી હતી. પરંતુ કસ્ટડી આપવાને બદલે કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આર્યન ખાનને તે જ દિવસે આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે એ જ દિવસે શાહરૂખના પુત્રની જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.