બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન આખરે શનિવારે જેલમાંથી મુક્ત થયો છે. 28 ઓક્ટોબરે આર્યન ખાનના જામીન મંજૂર થયા બાદ 30 તારીખે તે આર્થર રોડ જેલમાંથી છૂટ્યો હતો.
2 ઓક્ટોબરે ડ્રગ્સ કેસમાં પકડાયેલો આર્યન ખાન 28 દિવસ બાદ પોતાના ઘરે પહોંચ્યો. આર્યન જેલમાંથી નીકળીને સીધો જ કારમાં બેસીને જતો રહ્યો હતો. 8 ઓક્ટોબરે આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે 23 દિવસે તેનો છૂટકારો થયો છે.
શાહરૂખ ખાની ગાડીઓને કાફલો આર્યનને લેવા માટે પહોંચ્યો હતો. શાહરૂખ ખાનનું ઘર આર્થર રોડ જેલથી એક કલાકના અંતરે આવેલું છે.28 દિવસે આર્યન ખાન ‘મન્નત’ પહોંચ્યો હતો ત્યારે ત્યાં એકઠા થયેલા ફેન્સે ઢોલ વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. શાહરૂખ ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. તેમના હાથમાં આર્યન ખાનને સપોર્ટ કરતાં બેનર પણ જોવા મળી રહ્યા હતા. શાહરૂખના ઘરની બહાર અત્યારે મીડિયાકર્મીઓ તેમજ ફેન્સની ખૂબ ભીડ જોવા મળી હતી. આર્યન ઘરે આવી જતાં ફેન્સનો ઉત્સાહ ચરમ પર પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આર્યન ખાનનો બેલ ઓર્ડર આવ્યા બાદ પ્રક્રિયા પૂરી થવામાં વિલંબ થતાં તે જેલમાંથી નીકળી નહોતો શક્યો. શાહરૂખ ખાનની ફેમિલી ફ્રેન્ડ અને એક્ટ્રેસ જૂહી ચાવલાએ આર્યન ખાનના જામીન સંબંધિત દસ્તાવેજો પર સહી કરી હતી. સ્પેશિયલ કોર્ટમાંથી નીકળ્યા બાદ જૂહીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, “હું ખુશ છું કે આ બધાનો અંત આવ્યો છે અને હવે આર્યન ખાન જલદી જ ઘરે આવી જશે. આ રાહતની વાત છે.”
આર્યન ખાનના આગમન પહેલા ‘મન્નત’ને રોશનીથી સજાવાયું હતું. છેલ્લા લગભગ એક મહિનાથી પરેશાન શાહરૂખ અને ગૌરીએ હવે રાહતનો શ્વાસ લીધો હતો.