દિલ્હીના શરાબ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ સીબીઆઇએ રવિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આશરે નવ કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી, બીજી તરફ આપના નેતાઓ અને કાર્યકારોએ વિવિધ સ્થળોએ ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. કેજરીવાલની પૂછપરછ ચાલુ હતી ત્યારે ભગવંત માન, સૌરભ ભારદ્વાજ, આતિશી, કૈલાશ ગહલોત, સંદીપ પાઠક, રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સહિતના ટોચના AAP નેતાઓએ CBI હેડક્વાર્ટર પાસે એકઠા થયા હતા અને વડા પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પંજાબના પ્રધાનો અને ધારાસભ્યો સહિત AAPના ઘણા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
AAPના વડા તેમની સત્તાવાર બ્લેક એસયુવીમાં સવારે 11 વાગ્યે એજન્સીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આશરે નવ કલાકની પૂછપરછ પછી કેજરીવાલ રાત્રે 8.30 વાગ્યે બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે અગાઉ 28 ફેબ્રુઆરીએ આઠ કલાકની પૂછપરછ પછી AAP નેતા મનીષ સિસોદિયાની ધરપકડ કરાઈ હતી.
કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને કેટલાક ટોચના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. આપના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો.
કેજરીવાલે સીબીઆઇ ઓફિસે પહોંચતા પહેલા ટ્વીટર પર પાંચ મિનિટનો વીડિયો મેસેજ મૂક્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભાજપે તેમની ધરપકડ કરવા એજન્સીને આદેશ આપ્યો છે. તેઓ સીબીઆઇના તમામ પ્રશ્નનો પ્રમાણિકતાથી જવાબ આપશે કારણ કે તેમની પાસે છુપાવવા જેવું કંઇ નથી.