સુપ્રીમ કોર્ટે શુક્રવાર, 10મેએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. આમ સાત તબક્કાની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં તેઓ પોતાની આમ આદમી પાર્ટી વતી ચૂંટણીપ્રચાર કરી શકશે. કોર્ટના ચુકાદા મુજબ કેજરીવાલે 2 જૂન સુધીમાં જેલ અધિકારીઓને આત્મસમર્પણ કરવું પડશે.
દિલ્હી દારૂ આબકારી નીતિ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ દિલ્હીની તિહાર જેલમાં છે. કેજરીવાલની કાનૂની ટીમે જુલાઈ સુધી એટલે કે ચૂંટણી અને નવી સરકારની રચના થઈ જાય ત્યા સુધી જામીન માંગ્યાં હતાં.
કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટે મુક્તિની મુદત વિશેની દલીલોને ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે, “અમે અન્ય કેસો સાથે સરખામણી કરતાં નથી. 21 દિવસથી કોઈ ફરક પડશે નહીં”.
કેજરીવાલની ટીમે 25 મેના રોજ દિલ્હીની સાત લોકસભા બેઠકો માટે AAP વતી પ્રચાર કરવા જામીન આપવાની જોરદાર માગણી કરી હતી.કેજરીવાલને જામીન મળ્યાના થોડા સમય પછી, આપ નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે “સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત થતું નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત છે. સરમુખત્યારશાહીનો અંત આવશે અને દેશ કેજરીવાલની અજાયબીઓ જોશે… સત્યમેવ જયતે.
કેજરીવાલના મુક્તિના આદેશને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આવકાર્યો હતો. કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું હતું કે અમે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને આવકારીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સાથે પણ યોગ્ય ન્યાય થશે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે “અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું.”