અગ્રણી બ્રીટીશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પૉલના ધર્મપત્ની, લેડી અરૂણા પૉલનું તા. 3 મે 2022ને મંગળવારે રાત્રે લંડનમાં તેમના ઘરે 86 વર્ષની વયે શાંતિપૂર્ણ અવસાન થયું હતું. તેઓ જીવનને આનંદથી વ્યતિત કરતા હતા અને હંમેશા તેમની આસપાસના લોકોને ઉત્થાન આપવાનો પ્રયાસ કરતા હતા.
તેમના મૃત્યુના સમાચારને સમર્થન આપતા પરિવારના એક નજીકના સભ્યએ કહ્યું હતું કે ‘’લેડી પૉલ તેમના પતિ અને બે પુત્રો આકાશ અને અંબર અને પુત્રી અંજલીને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વરાજ અને અરૂણા પૉલના લગ્ન આજથી 65 વર્ષ પહેલા થયા હતા. તેઓ લંડનના ડાયસ્પોરામાં સૌના પરિચિત હતા. તેમણે ડિસેમ્બર 2016 માં તેમની ડાયમંડ વેડીંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી. મહારાણી એલિઝાબેથ બીજાએ દંપતીના લગ્નના માઇલસ્ટોનને ચિહ્નિત કરવા માટે તેમની શુભેચ્છાઓ મોકલી હતી.
શ્રીમતી અરૂણા પૉલનો જન્મ કોલકાતામાં થયો હતો અને 1960ના દાયકાના અંતમાં તેઓ તેમની પુત્રી અંબિકાની તબીબી સારવાર માટે તેમના પતિ સાથે લંડન આવ્યા હતા. તે પહેલાં તેઓ શહેરની લોરેટો હાઉસ સ્કૂલમાં ભણાવતા હતા. દિકરીના મૃત્યુ પછી, તેઓ લંડનમાં સ્થાયી થયા હતા.
અરૂણા પોલ લંડનના સામાજિક વર્તુળોમાં એક સ્પષ્ટ અને આકર્ષક વ્યક્તિત્વ તરીકે લોકપ્રિય થયા હતા અને તેઓ સ્વર્ગસ્થ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના મિત્ર હતા.
91 વર્ષીય લોર્ડ પૉલ યુ.કે. સ્થિત કપારો ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક છે. તેમનો બિઝનેસ યુએસ, ભારત, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં વ્યાપેલો છે.
તેમના એક પુત્ર અને કપારો પીએલસીના સીઈઓ અંગદ પૌલ ગત તા. 8 નવેમ્બર 2015ના રોજ તેમના મેરીલબોન સ્થિત પેન્ટહાઉસ ફ્લેટમાંથી નીચે પડી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.