(ANI Photo)
નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના સેટની કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ થઇ છે. તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મમાં દશરથરાજાની ભૂમિકામાં અરુણ ગોવિલ જોવા મળશે, જે રામાનંદ સાગરની રામાણયમાં રામના પાત્રમાં હતા. જ્યારે રાણી કૈકૈયીની ભૂમિકામાં લારા દત્તા ભજવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મસિટીમાં ગુરુકુળનો સેટ તૈયાર થઈ ચૂક્યો છે. આ ફિલ્મના પ્રથમ શીડ્યુલમાં રામ, લક્ષ્મણ અને ભરતના બાળપણના પાત્રનો અભિનય કરનાર ચાઇલ્ડ આર્ટિસ્ટ શૂટિંગ કરી રહ્યા છે. જ્યારે અભિનેતા શિશિર શર્મા તેમાં ગુરુ વશિષ્ઠના રોલમાં જોવા મળશે. ટૂંક જ સમયમાં રણબીર પણ આ ફિલ્મમાં રામના પાત્રનું શૂટિંગ શરુ કરશે. ભગવાન રામના હાવભાવ અને ભાષા શૈલીનું સારી રીતે ફિલ્માંકન કરવા માટે રણવીર વોઇસ અને ડિક્શન ટ્રેનિંગ(બોલવાની રીત) લઈ રહ્યો છે.
રણબીર પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરી રહ્યો છે. રણબીર સંવાદ યાદ કરવા માટે વીડિયા બનાવે છે અને મંજૂરી માટે ડાયરેક્ટરની પાસે મોકલે છે. તે મંજૂરી મુજબ પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપવા ઈચ્છે છે. પહેલાં પણ અહેવાલ હતા કે ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર આવી જશે. મેકર્સ ફિલ્મ ‘રામાયણ’ને 4 ભાગમાં રિલીઝ કરશે.  પ્રથમભાગ આગામી વર્ષે જૂન સુધીમાં રિલીઝ થાય તેવી સંભાવના છે.
દિગ્દર્શક નારાજ થયા
આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું તેની ગણતરીનાં કલાકોની અંદર સેટથી લઇને કલાકારોની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ છે. આ સાથે શૂટિંગનો વીડિયો પણ લીક થયો છે, જેમાં ‘રામાયણ’નો સેટ જોવા મળી રહ્યો છે, જે અભિનેત્રી આકૃતિ સિંહે ઈન્સ્ટાગ્રામ પર તેને પોસ્ટ કરી હતી. ત્યાર પછી ફિલ્મમાં દશરથરાજા બનેલા અરુણ ગોવિલ અને લારા દત્તાનો લુક પણ લીક થઈ ગયો. જેના કારણે દિગ્દર્શક નિતેશ તિવારી ખૂબ જ વ્યથિત થયા છે.
ફિલ્મના સેટ અને કલાકારોનો લૂક લીક થયા પછી હવે તેમણે સેટ પર ‘નો ફોન’ પોલિસી લાગુ કરી હતી. ચાહકોએ નિતેશ તિવારીને સીન લીક કરનાર સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી. નિતેશ તિવારી અને તેમની ટીમે શૂટિંગ શરૂ થાય પછી વધારાના સ્ટાફ અને ક્રૂને સેટ બહાર રહેવા સૂચના આપી છે.  ફક્ત એકટર્સ અને ટેક્નિશિયન્સને સેટ પર રહેવાની મંજુરી આપી છે, જે સીન માટે જરુરી છે. બાકી તમામની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

LEAVE A REPLY