(PTI Photo)

દેશભરમાં કાળકાઝ ગરમી વચ્ચે ગુરુવાર, 30 મેએ કેરળ અને ઉત્તરપૂર્વના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હતું. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને આજે 30 મે, 2024ના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું છે. એમ ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું.

અગાઉ 15 મેએ હવામાન કચેરીએ 31 મે સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થવાની આગાહી કરી હતી. હવામાન વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકેલા રેમલ વાવાઝોડાને કારણે ચોમાસાની સિસ્ટમ બંગાળની ખાડી તરફ ખેંચાઈ છે. તેનાથી ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં ચોમાસાનું વહેલા આગમન થઈ શકે છે.

હવામાન વિભાગના ડેટા મુજબ કેરળમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે મે માસમાં સરપ્લસ વરસાદ થયો છે. અરુણાચલપ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામ માટે સામાન્ય ચોમાસાની શરૂઆતની તારીખ 5 જૂન છે.

IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ વિસ્તારો, માલદીવના બાકીના ભાગો, કોમોરિન, લક્ષદ્વીપ, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પણ સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.

જો 10મે પછી કેરળના અને પડોશી વિસ્તારોના 14 હવામાન સ્ટેશનોમાં સતત બે દિવસ સુધી 2.5મીમી અથવા તેનાથી વરસાદ થાય, પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની હોય અને આઇટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) નીચું હોય તો IMD કેરળમાં ચોમાસાની શરૂઆત જાહેરાત કરે છે.

LEAVE A REPLY