અમેરિકાની પ્રતિષ્ઠિત પ્રિન્સટન યુનિવર્સિટીના કેમ્પસમાં પેલેસ્ટાઈન તરફી દેખાવો કરવા બદલ ભારતીય મૂળની એક વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીની ધરપકડ કરાઈ હતી અને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો.
યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈમ્બતુરમાં જન્મેલા અને કોલંબસમાં ઉછરેલા અચિન્થ્યા શિવલિંગન સામે કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરાશે.
દેખાવકારોએ ગુરુવારે સવારે 7 વાગ્યે મેકકોશ કોર્ટયાર્ડમાં પેલેસ્ટાઈન તરફી દેખાવો માટે કેમ્પમાં ટેન્ટ ઊભા કર્યા હતા. યુનિવર્સિટીના અધિકારીઓની ચેતવણીઓ પછી પ્રિન્સટનના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરાઇ હતી, અને બાકીના વિરોધીઓએ તેમના કેમ્પને ઉખાડી નાંખ્યાં હતા અને ધરણા ચાલુ કર્યાં હતા. લગભગ 100 અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ગુરુવારે વહેલી સવારે મેકકોશ કોર્ટયાર્ડ પર ધરણા શરૂ કર્યા હતાં.