પશ્ચિમ બંગાળના ઉદ્યોગ પ્રધાન પાર્થા ચેટરજીના સહયોગી અર્પિતા મુખરજીના ઠેકાણે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પાડેલા દરોડામાં વધુ 27.9 કરોડ રૂપિયા રોકડ અને 5 કિગ્રા સોનું મળ્યું હતું. અગાઉ અર્પિતાના ઘેરથી રૂ.21 કરોડ રોકડ ઝડપાયા હતા. આમ અર્પિતાના ઘેરથી અત્યાર સુધીમાં આશરે રૂ.50 કરોડ રોકડા મળ્યા છે. ઇડી કરોડો રૂપિયાના શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળાના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કૌભાંડી પ્રધાન પાર્થા ચેટરજીની હકાલપટ્ટી કરી હતી.
EDને અર્પિતાના આ ઘરમાંથી પણ નોટોનો ખજાનો મળ્યો હતો. EDએ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા, 28 કરોડ રોકડ મળ્યા હતા, આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના અને બિસ્કિટ પણ મળી આવ્યા હતા. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીના બંને ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.
આ અગાઉ બુધવારે સાંજે તપાસ એજન્સીઓની ટીમ કોલકાતાના બેલઘારિયા વિસ્તારમાં અર્પિતાના ઘરે પહોંચી હતી અને ફ્લેટની ચાવી ન હોવાને કારણે અધિકારીઓ તાળુ તોડીને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. તાળુ તોડ્યુ અને તપાસ અભિયાન દરમિયાન સાક્ષી પણ બોલાવવામાં આવ્યા હતા.