ઓલ્ડહામ કાઉન્સિલના પ્રથમ મહિલા મુસ્લિમ નેતા આરૂજ શાહ (ફોટો: એલડીઆરએસ)

ઓલ્ડહામ કાઉન્સિલના પ્રથમ મહિલા મુસ્લિમ નેતા આરૂજ શાહની કારને ઓલ્ડહામના ગોલ્ડવિકમાં મંગળવારે (13) વહેલી સવારે ફાયર બોમ્બ ફેંકી સળગાવી દેવાના બનાવના પગલે રાજકીય અગ્રણીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે અને આ ઘટનાને “કાયર હુમલો” ગણાવી લેબરના સાથીઓ અને રાજકારણીઓએ ઘટનાની કડક નિંદા કરી છે.

વાહનને આગ લગાડવામાં આવ્યાની જાણ થતાં મઘરાત્રે 1.30 કલાકે ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરાઇ હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. વાહનની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે પડોશમાં આવેલી પ્રોપર્ટીને નુકસાન થયું હતું.

અગાઉના નેતા સીન ફીલ્ડિંગે પોતાની બેઠક ગુમાવ્યા બાદ શાહ મે મહિનાથી સ્થાનિક કાઉન્સિલનું નેતૃત્વ કરી રહ્યા છે. ઓલ્ડહામ વેસ્ટ અને રોયટન ચેરના લેબર સાંસદ, જિમ મેકમોહોને કહ્યું હતું કે “તે લોકોને પકડવા માટે પૂરતું બળ લગાવવું જોઇ. આવી કાયર રીતે નિશાન બનાવાયેલા આરૂજ શાહની સાથે છું.”

વોર્સલી એન્ડ એકલ્સ સાઉથના લેબર સાંસદ બાર્બરા કીલીએ કહ્યું હતું કે “આ લેબર મહિલા નેતા પર આઘાતજનક હુમલો હતો. હું તેમની સાથે છું અને મને આશા છે કે તે અને તેમનો પરિવાર બરાબર છે.”  ઓલ્ડહામના લિબરલ ડેમોક્રેટ્સ પક્ષે પણ હુમલાને નખોડી કાઢ્યો હતો.

આરૂજ શાહ આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં, તેમ કાઉન્સિલે કહ્યું છે.

આરૂજ શાહના માતાપિતા 1960ના દાયકાના અંતમાં પાકિસ્તાનથી યુકે આવ્યા હતા અને શાહ ઇંગ્લેન્ડના સૌથી ગરીબ વોર્ડમાંના એક ગ્લોડવિકમાં રહેતા હતા.

મે મહિનામાં કાઉન્સિલના નેતા તરીકે ચૂંટાયા પછી, તેમણે રેસીઝમ અને મીસોજીની સામેની લડત તેમજ તેમના સમુદાયના પરંપરાવાદીઓ દ્વારા કરાતા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસે કોઇના જીવનને જોખમમાં મૂકવાના ઇરાદે આગ લગાવવાની શંકાના આધારે

23 વર્ષીય વ્યક્તિ અને બીજા એકની ધરપકડ કરી છે. જેને પાછળથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ઓલ્ડહામ વિભાગના ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર વેસ્લી નાઈટ્સે જણાવ્યું હતું કે “આ આગને કારણે વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. તે એક અવિચારી, ઘૃણાસ્પદ કૃત્ય હતું અને સદનસીબે કોઈને ઇજા થઇ નથી. અમારી તપાસ ચાલુ છે. જેમણે કંઈપણ જોયું હોય અથવા કોઈ માહિતી હોય તો જલ્દીથી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરૂ છું.”