ભારતમાં 15 જાન્યુઆરીએ બેંગલુરુમાં 75મા ઇન્ડિયન આર્મી ડેની ઉજવણી કરાઈ હતી. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આર્મી ડેની ઉજવણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સિવાયના બીજા કોઇ શહેરમાં થઈ હતી.
આ અંગેના એક કાર્યક્રમમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મીને ભવિષ્ય માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠા નોંધપાત્ર રીતે વધી છે અને રશિયા-યુક્રેન યુદ્ધના સમયે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા ત્યારે તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના નેતાઓ સાથે વાતચીત કરીને થોડા સમય માટે યુદ્ધને અટકાવી દીધું હતું.
તેમણે સશસ્ત્ર દળોને તેમની એડોપ્શન ક્ષમતાઓમાં વધારો કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ મુખ્ય સશસ્ત્ર દળો તેમની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવશે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પહેલા ભારત બોલતું હતું ત્યારે કોઈ તેને ગંભીરતાથી લેતું નહોતું, પરંતુ હવે આપણે બોલીએ છીએ કે દુનિયા ધ્યાનથી સાંભળે છે. તેનું ઉદાહરણ રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું કરાયેલું સુરક્ષિત સ્થળાંતર છે.