સૈન્ય દિવસ પર ભારતની આર્મીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તે સરહદ પર યથાવત્ સ્થિતિમાં એકપક્ષીય રીતે ફેરફાર કરવાના કોઇ પણ પ્રયાસને સફળ થવા દેશે નહીં.આર્મી ડે પરેડને સંબોધન કરતાં લશ્કરી વડા જનરલ એમ એમ નરવણેએ જણાવ્યું હતું કે ચીન સાથેની ઉત્તરીય સીમા પરની ગતિવિધિઓને કારણે ગયું વર્ષ ભારતની આર્મી માટે ખૂબ જ પડકારજનક હતું.
ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા ઇન્ડિયન આર્મીના પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન- ચીફ બન્યા તે પ્રસંગની ઉજવણી કરવા દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી ડેની મનાવવામાં આવે છે. ફિલ્મ માર્શલ કે એમ કરિયપ્પા 1949માં બ્રિટિશના લશ્કરી વડાની જગ્યાએ આ હોદ્દો ગ્રહણ કર્યો હતો.
ચીન સાથે પૂર્વ લડાખમાં મડાગાંઠનો ઉલ્લેખ કરતા જનરલ નરવણેએ જણાવ્યું હતું કે સ્થિતિને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે 14માં રાઉન્ડની લશ્કરી મંત્રણા થઈ હતી. વિવિધ સ્તરે સંયુક્ત પ્રયાસોને પગલે વિવિધ બોર્ડર એરિયામાં બંને દેશોના સૈનિકો પાછા હટી ગયા છે, જે એક રચનાત્મક પગલું છે. પરસ્પરની એકસમાન સુરક્ષાના આધારે હાલની સ્થિતિનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે બરફ આચ્છાદિત પર્વતો પર તૈનાત સૈનિકોનો જુસ્સો આસમાનને આંબે છે. અમારી ધીરજ અમારા આત્મવિશ્વાસનો સંકેત છે, પરંતુ કોઇ અમારી ધીરજની કસોટી કરવાની ભૂલ ન કરવી જોઇએ. અમારો સંદેશ સ્પષ્ટ છે કે ભારતીય સૈના દેશની સરહદો પર યથાવત સ્થિતિમાં એકતરફી ફેરફારના કોઇ પ્રયાસોને સફળ થવા દેશે નહીં.
પેન્ગોંગ સરોવર વિસ્તારમાં હિંસક સંધર્ષ પછીથી ભારત અને ચીનના સૈનિકો 5મે 2020થી પૂર્વ લડાખમાં આમને-સામને છે. આ મડાગાંઠને ઉકેલ માટે બંને દેશો વચ્ચે 14 રાઉન્ડની લશ્કરી મંત્રણા થઈ છે. આ ઘટના પછી ભારત અને ચીન બંનેએ આ વિસ્તારમાં સૈનિકો અને હથિયારોનો જમાવડો કર્યો છે.