ભારતે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા પાડ્યા હતા અને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. ભારત-પાકિસ્તાનના આ યુદ્ધને 3 ડિસેમ્બરે 50 વર્ષ પૂર્ણ થયા હતા. આ પ્રસંગે ઇન્ડિયન આર્મીના વડા મેજર જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં યુદ્ધ થશે તો ભારતની આર્મી, એરફોર્સ અને નેવી દુશ્મનોના 1971 જેવો જ ખાત્મો બોલાવી શકે છે. ૩જી ડિસેમ્બર 1971ના રોજ જ ભારતીય સેના સામે વિજય મેળવ્યો હતો.
જનરલ નરવણેએ જણાવ્યું હતું કે, આપણા ત્રણેય સેનાએ સાથે મળીને 1971માં અભૂતપૂર્વ વિજય મેળળ્યો હતો. આપણે એક સાથે હતા અને સંપૂર્ણ તાલમેલથી આપણે લડ્યા હતા. તેથી આપણે અસાધારણ વિજય મેળવ્યો હતો. ભવિષ્યમાં પણ યુદ્ધ થાય તો દેશની ત્રણેય સેના સાથે મળીને આ જ સફળતાનું પુનરાવર્તન કરવા સક્ષમ છે. આ 50 વર્ષમાં અનેક પરિવર્તન આવ્યા છે. પહેલા યુદ્ધ અને હવેના યુદ્ધમાં ઘણો તફાવત છે. હવેના યુદ્ધ ટેસ્ટ મેચ જેવા નથી રહ્યા, તે ટી-૨૦ જેવા થઈ ગયા છે. તે સમયે પહેલા તૈયારી કરવાની તક મળતી હતી, પરંતુ હવે તૈયારીની તક પણ નહીં મળે. આપણે હંમેશા તૈયાર રહેવું પડશે. આપણે ટેકટિક્સ, ટેકનિક અને પ્રોસીજરમાં પરિવર્તન લાવવું પડશે. છેલ્લા 50 વર્ષમાં ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે. સૈન્યમાં પણ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક થઈ શકીએ છીએ. આપણી સેના પણ ટેક્નોલોજી સાથે સંકળાયેલી છે.