આશરે એક દાયકા સુધી વધારા બાદ 2016-2020 દરમિયાન શસ્ત્રોની આંતરરાષ્ટ્રીય ડિલિવરી લગભગ સ્થિર રહી હતી. વિશ્વના ત્રણ સૌથી મોટા નિકાસકાર દેશો અમેરિકા, ફ્રાન્સ અને જર્મનીના વેચાણમાં વધારો થયો હતો, પરંતુ રશિયા અને ચીનની નિકાસ ઘટી હતી, તેથી કુલ વેચાણ લગભગ સ્થિર રહ્યું હતું, એમ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (SIPRI)એ સોમવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.
2001-2005 પછી પ્રથમ વખત એવું બન્યું હતું કે વિવિધ દેશો વચ્ચે મોટા શસ્ત્રોની ડિલિવરીના વોલ્યુમમાં અગાઉનના પાંચ વર્ષની સરખામણીમાં વધારો થયો ન હતો. કોરોના મહામારીથી વિશ્વના અર્થતંત્રોને અસર થઈ છે અને ઘણા દેશો મંદીમાં ઘકેલાયા છે, પરંતુ અહેવાલમાં જણાવાયું હતું કે શસ્ત્રોના વેચાણમાં નરમાઈ ચાલુ રહેશે કે નહીં તે અંગે કંઇ કહેવાનું વહેલું ગણાશે.
SIPRIના આર્મ્સ એન્ડ મિલિટરી એક્સપેન્ડિચર પ્રોગ્રામના સિનિયર રિસર્ચર પીટર વેઝમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીની આર્થિક અસરથી ઘણા દેશો શસ્ત્રોની આયાતની પુનસમીક્ષા કરી શકે છે, પરંતુ 2020માં કોરોના મહામારીના સમયમાં પણ ઘણા દેશોએ શસ્ત્રો માટે મોટા સોદા કર્યા હતા. ઉદાહરણ તરીકે યુનાઇટેડ આરબ અમિરાતે 23 બિલિયનના પેકેજના ભાગરૂપે અમેરિકા પાસેથી પચાસ એફ-35 વિમાનો અને 18 ડ્રોન ખરીદવાની સમજૂતી કરી હતી.
2016-20 દરમિયાન મધ્યપૂર્વના દેશોની શસ્ત્રોની આયાતમાં 2011-15ની સરખામણીમાં 25 ટકાનો ઉછાળો આવ્યો હતો. વિશ્વમાં શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર સાઉદી અરેબિયાની આયાતમાં 61 ટકા અને કતારની આયાતમાં 361 ટકાનો જંગી વધારો થયો હતો. એશિયામાં શસ્ત્રોના સૌથી મોટા આયાતકારોમાં ભારત, ચીન, પાકિસ્તાનનો સમાવેશ થાય છે.