બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ) દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી કાર્યવાહીના અંતે ચેશાયરના ગુજરાતી યુવાન હિતેશ પટેલ અને તેના સાગરીતોની ચાર મશીનગન, શસ્ત્રો અને માદક પદાર્થો રાખવાના આરોપસર ધરપકડ કરી તપાસ આદરવામાં આવી છે.
ચેશાયરના ગાર્ડન લેન ખાતે રહેતા ૨૬ વર્ષના હિતેશ પટેલ અને તેના અન્ય બે સાથીઓ બિલાલ ખાન (ઉ.ન. 32 મેર્સી રોડ, ડીડ્સબરી માંચેસ્ટર) અને ઉમર ઝહીર (ઉ.વ. 33 સમરસેટ રોડ, એકલ્સ, માંટેસ્ટર)ની તા. 20 ક્ટોબરના રોજ ધરપકડ કરી ગયા સપ્તાહે માંચેસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. તેમના ચોથા સાથીદાર અને વોરિંગ્ટન ખાતે રહેતા બ્રિટિશ નાગરિક રોબર્ટ બ્રાઝેન્ડેલની યુરોપીયન એરેસ્ટ વોરન્ટના આધારે સ્પેનના એસ્ટેપોના, કોસ્ટા ડેલ સોલ ખાતેથી સ્પેનીશ નેશનલ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જેને એક્સ્ટ્રાડિક્શન કરી બ્રિટન લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
એનસીએ દ્વારા ઓપરેશન વેનેટિકના ભાગરૂપે ચાલુ વર્ષની શરૂઆતમાં તપાસ શરૂ કરાઇ હતી. વૈશ્વિક સ્તરે ચેલતા એન્ક્રોચેટ નેટવર્કના રહસ્યો શોધવા યુકેની આ એજન્સીએ કામગીરી કરી હતી. એપ્રિલમાં ઓપરેશન વેનેટિક હેઠળ અધિકારીઓએ ચેશાયરના વોરિંગ્ટનની એક ઇમારતમાં છુપાવી રાખેલા એકે ૪૭ એસોલ્ટ રાઇફલ સહિત મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત કર્યા હતા. તે જ મહિનામાં અધિકારીઓએ લંડનની એક જગ્યાએથી એક ઉઝી અને સ્કોરપિયન સબ મશીનગન, 300 રાઉન્ડ ગોળીઓ, £180,000 રોકડા અને એક કિલો કોકેન જપ્ત કર્યા હતા.
એનસીએના ઓપરેશન મેનેજર નીલ ગાર્ડનરે કહ્યું: “એનસીએ અને સ્પેનિશ નેશનલ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ એ આ વર્ષે જુલાઈમાં ઓપરેશન વેનેટિકની ઘોષણા થઈ ત્યારથી કરાયેલી લાંબી તપાસનો એક ભાગ છે. આ તપાસના ભાગ રૂપે એનસીએ અને અમારા પોલીસ ભાગીદારોએ અસ્તિત્વમાં છે તેવા કેટલાક જીવલેણ હથિયારોને દૂર કર્યા છે.
‘અનસીએના શસ્ત્રો શોધવાના અથાક પ્રયાસોના કારણે આપણા જીવ સલામત છે. હું તેમને આ કામગારી કરવા બદલ અભિનંદન આપું છું’ એમ બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું.