40થી વધુ ફિલ્મોમાં અભિનય આપનાર અર્જુન રામપાલ ફિલ્મોમાં પડકારજનક ભૂમિકા ભજવવાનું પસંદ કરે છે. તેણે ‘લંડન ફાઈલ્સ’ નામની વેબસિરીઝ કામ કર્યું છે. તેમાં તેણે એક નિષ્ક્રિય પોલીસ અને હત્યાકાંડની તપાસ કરનાર જાસૂસની ભૂમિકા ભજવી છે. અર્જુન રામપાલ કહે છે કે તેને આ પાત્ર માટે ઘણી પૂર્વ તૈયારી કરવી પડી હતી. આ સિરીઝમાં અર્જુન એક એવા જાસૂસની ભૂમિકા ભજવે છે, જેને એક જટીલ કેસ સોંપવામાં આવે છે અને તેમાં જોડાયા પછી તેની પોતાની માન્યતાઓ સામે પ્રશ્નો ઊભા થાય છે.
ઓમ સિંઘ નામના આ પાત્ર વિશે અર્જુન કહે છે, ‘મેં અત્યાર સુધીમાં કરેલી ભૂમિકાથી આ તદ્દન જુદી જ છે. આ પાત્ર અત્યંત રસપ્રદ છે. તે કોઈ સામાન્ય પ્રકારનો જાસૂસ નથી, પણ એક નિષ્ક્રિય પોલીસ છે. તેને પોતાની સમસ્યાઓ છે અને તેનામાં ઘણી ખામીઓ પણ છે. તેને જે કેસ સોંપવામાં આવ્યો છે તે જ તેને ટકાવી રાખે છે. આ કેસ દ્વારા તે માને છે કે તે પોતાને ઓળખી શકશે. આ પાત્ર ખૂબ જ જટીલ છે અને તેથી જ મેં તેમાં ઓતપ્રોત થવાનો પ્રયત્ન કર્યો છે.’
આ સીરીઝમાં સરકાર અચાનક ઈમિગ્રેશન વિરોધી કાયદો પસાર કરે છે અને કાયદેસર નાગરિકત્વ મેળવનાર વસાહતીઓના અધિકાર છીનવી લે છે. અમુક દેશો જ્યારે પોતાની સરહદો અચાનક બંધ કરી દે ત્યારે લોકોએ શું કરવું? આવા અનેક પ્રશ્નો આ સિરીઝમાં રજૂ કરાયા છે.
અર્જુન કહે છે, ‘જ્યારે મને કોઈ સ્ક્રિપ્ટ મળે છે ત્યારે હું હમેંશા તેને કેવી રીતે ટ્રીટ કરાશે તેના વિશે ધ્યાન રાખું છું. શૂટીંગ કેવી રીતે થશે, પાત્ર કેવી રીતે વિકસશે, તે કેવું વર્તન કરશે, કેવો દેખાશે… પાત્રને વિકસાવવામાં જ તો ખરી મજા છે.’ અર્જુને આ વેબ સીરીઝના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે. અર્જુનના મતે સોશિયલ મીડિયાના અમુક સકારાત્મક પાસાં છે, પણ તેની સાથે ઘણી નકારાત્મક બાબતો પણ છે. જો કે અર્જુન સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર પોતાના કામ માટે જ અથવા પોતાના કોઈ જૂના મિત્રનો સંપર્ક કરવા કરે છે.