વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા કારણે અનેક પ્રકારની સામાજિક-આર્થિક મુશ્કેલીઓ ઊભી થઇ છે. કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે અને તેમના પરિવારોને કપરા સમયનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની આવી સ્થિતિ જોતાં અર્જુન કપૂરે પોતાના બિઝનેસ દ્વારા શક્ય તેટલા વધુ લોકોને મહામારીના સમયમાં પગભર બનાવવાનો નિર્ધાર કરવા સાથે ભોજન પૂરું પાડવા માટે ફૂડ ડિલિવરી સ્ટાર્ટ- અપ ‘ફૂડ કલાઉડ’ શરૂ કર્યું છે. તે આ પ્લેટફોર્મ દર મહિને ૧૦૦૦ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે.
તેણે આ અંગે કહ્યું હતું કે કોરોના મહામારીએ આપણા સમાજ સામે અસંખ્ય પડકારો ઊભા કર્યાં છે અને તેને સૌથી ખરાબ અસર બાળકો પર પડી છે. ખાસ કરીને એવા પરિવારના બાળકો જેમના ઘરમાં કમાણી કરનારી વ્યક્તિ એક જ હતી અને તેણે તેનો ધંધો-રોજગાર ગુમાવી દીધો હતો. અમે ‘ફૂડ કલાઉડ’ના માધ્યમથી અમે તેમને પૌષ્ટિક આહાર પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી ટીમ તેમને માટે જે રીતે કામ કરી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે.
અર્જુને વધુમાં કહ્યું હતું કે આ મહામારી જારી રહેશે ત્યાં સુધી અમારું આ મંચ જરૂરિયાતમંદ બાળકોને સહાય આપવાનું ચાલુ રાખશે. મારા મતે બાળકોને ભૂખ્યાં ન રહેવું જોઈએ અને તેઓ કુપોષણનો શિકાર ન થવા જોઈએ. તેથી જવાબદાર નાગરિક તરીકે અમે અમારાથી બની શકે એટલા બાળકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.