આઈબીએમના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદ ક્રિષ્ના ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ યોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટાયા છે. ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ યોર્કે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ક્રિષ્ના ક્લાસ-બી ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. ન્યૂ યોર્ક ફેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રિષ્ના 31 ડિસેમ્બર 2023 સુધી એટલે ત્રણ વર્ષ માટે આ હોદ્દા પર રહેશે. હાલની અને અગાઉની ભૂમિકામાં ક્રિષ્ના ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન અને ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ જેવા ક્ષેત્રોમાં આઇબીએમ માટે નવા બજારોનું સર્જન અને વિસ્તરણ કર્યું છે. તેમણે ઊભરતી ટેકનોલોજી આધારિત ઇનોવેટિવ આઇબીએમ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુરમાંથી અંડરગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા ક્રિષ્ના યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાંથી પીએચડી થયેલા છે. તેઓ અગાઉ ક્લાઉડ એન્ડ કોગ્નિટિવ સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હતા. તેઓ આઇબીએમ રિસર્ચના વડા પણ હતા.
ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂ યોર્ક અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ હેઠળ કામ કરે છે. તે અમેરિકાની આર્થિક અને ફાઇનાન્શિયલ સિસ્ટમની મજબૂતાઈ અને ગતિશીલતા માટે બીજી જાહેર અને ખાનગી સંસ્થાઓ સાથે કામગીરી કરે છે. તે અમેરિકાની 12 પ્રાદેશિક રિઝર્વ બેન્ક પૈકીની એક છે. આ સિસ્ટમ ફાઇનાન્શિયલ માર્કેટમાં ફેડના નામે ઓળખાય છે.