કતારમાં રમાઈ રહેલી ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલ્સ રવિવારે (11 ડીસેમ્બર) પુરી થઈ ગયા પછી હવે આર્જેન્ટીના, ફ્રાન્સ, ક્રોએશિયા અને મોરોક્કો છેલ્લા ચારના તબક્કામાં પહોંચ્યા છે. 14મીએ પ્રથમ સેમિફાઈનલમાં આર્જેન્ટીના અને ક્રોએશિયાનો તથા 15મી બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સ અને મોરોક્કોનો મુકાબલો થશે. એ પછી 17મીને શનિવારે હારેલી બન્ને સેમિફાઈનાલિસ્ટ્સ વચ્ચે ત્રીજા અને ચોથા સ્થાન માટેનો જંગ ખેલાશે, જ્યારે રવિવારે – 18મીએ ફાઈનલ રમાશે.
રવિવારે છેલ્લી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે ઈંગ્લેન્ડને 2-1થી હરાવી ડીફેન્ડીંગ ચેમ્પિયન્સ તરીકેની પોતાની ધાક જાળવી રાખી હતી, તો એ પહેલા શનિવારે રમાયેલી બે ક્વાર્ટર ફાઈનલ્સમાં આર્જેન્ટીના – નેધરલેન્ડ્સનો મુકાબલો 2-2થી બરાબરીમાં પુરો થયા પછી પેનાલ્ટીઝમાં આર્જેન્ટીનાએ 4-3થી હરીફને હરાવી દીધું હતું. બીજી મેચમાં મોરક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવી આંચકો આપ્યો હતો. સેમિફાઈનલમાં પહોંચનારી તે આફ્રિકાની પહેલી ટીમ બની છે.
શુક્રવારે રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલને હરાવી ક્રોએશિયાએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. રાબેતા મુજબના સમયમાં બન્ને ટીમો 1-1થી બરાબરીમાં રહ્યા પછી પેનાલ્ટીઝમાં ક્રોએશિયાએ 4-2થી બ્રાઝિલને હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો.