સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં શનિવાર, 22 જૂને મુશળધાર વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં છ કલાકમાં સાડા આઠ ઈંચ તો જૂનાગઢના વિસાવદરમાં બે કલાકમાં સાત ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમરેલીમાં કોઝવે પરથી યુવક બાઈક સાથે તણાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ બપોર પછી વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં સાત ઈંચથી વધુ વરસાદ વરસી જતાં ચોમેર તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા. કચ્છમાં અબડાસા, નખત્રાણા , માંડવી, ભુજ, લખપત અને રાપર તાલુકામાં હળવાથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસા તાલુકાના વડા મથલ નલિયામાં બપોરનાં બે વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અને બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાં તાલુકાનો સૌથી મોટા મીઠી સહિતના ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા.મોરબી પંથકમાં પણ બપોર સુધીમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગોસા નજીકના પુલ પર પાણી ફરી વળતાં, હાઇવે બંધ થઈ ગયો હતો.