એપ્રિલમાં માતા હોલી ડાન્સને બેભાન હાલતમાં મળી આવેલા અને ત્યારથી જ કોમામાં રહેલા 12 વર્ષના બાળક આર્ચી બેટર્સબીનું અઠવાડિયાઓની કાનૂની લડાઈ બાદ ઇસ્ટ લંડનના વ્હાઇટચેપલમાં રોયલ લંડન હોસ્પિટલમાં સારવાર દરિમયાન મૃત્યુ થયું હતું. તેને વેન્ટિલેશન અને ડ્રગ ટ્રીટમેન્ટ સહિત તબીબી સારવાર આપી અત્યાર સુધી હોસ્પિટલમાં જીવંત રાખવામાં આવ્યો હતો.
એસેક્સના સાઉથેન્ડની શ્રીમતી ડાન્સે જણાવ્યું હતું કે તેમનો સુંદર નાનો દિકરો શનિવારે તા. 6ના રોજ બપોરે 12.15 વાગ્યે વેન્ટિલેશન અને ડ્રગ ટ્રીટમેન્ટ સહિત તબીબી સારવાર બંધ કરાયા બાદ મૃત્યુ પામ્યો હતો. આર્ચીના માતા-પિતાએ સારવાર ચાલુ રાખવા લાંબો સમય કાનૂની લડાઈ લડી હતી અને તાજેતરના દિવસોમાં હાઈકોર્ટ, કોર્ટ ઓફ અપીલ અને યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં તેને મૃત્યુ માટે હોસ્પીસમાં ટ્રાન્સફર કરવા માટે અપીલો કરી હતી.
ખૂબ જ ભાંગી પડેલા શ્રીમતી ડાન્સે જણાવ્યું હતું કે “અમે અંત સુધી લડ્યા હતા. શું હું ફક્ત એટલું જ કહી શકું કે હું વિશ્વની સૌથી ગૌરવપૂર્ણ માતા છું. તે અંત સુધી જીવન માટે લડતો રહ્યો હતો અને મને તેની માતા હોવાનો ગર્વ છે. 7મી એપ્રિલથી છેલ્લા અઠવાડિયાઓ દરમિયાન મને નથી લાગતું કે એવો કોઈ દિવસ આવ્યો હોય કે જે ખરેખર ભયંકર ન હોય. હોસ્પિટલે અમને સ્પષ્ટ કહી દીધું હતું કે તેને માટે કોઈ વધુ વિકલ્પો નથી અને શનિવારે સવારે 10 વાગ્યે લાઇફ સપોર્ટ પાછો ખેંચી લેવામાં આવશે.’’
શનિવારે સવારે આર્ચીના સમર્થકો હોસ્પિટલમાં ફૂલ અને મીણબત્તીઓ લઇને આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.