મેગને સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે મારા પુત્ર આર્ચીના જન્મ પહેલા હેરીના એક સંબંધી જેઓ ડ્યુકનો હોદ્દો ધારણ કરે છે તેમણે મને પૂછ્યું હતું કે શું તેમનું જન્મનાર બાળક આર્ચી મિશ્ર-જાતિનો હોવાના કારણે બહુ બ્રાઉન હશે? જે રોયલ્સ માટે ‘સમસ્યા’ હતી. શાહી પરિવાર માટે તે ‘ખૂબ નુકસાનકારક’ થઇ શકે તેમ હોવાથી મેગન અને હેરીએ તે ડ્યુકનું નામ લેવાનો ઇન્કાર કર્યો હતો. મેગનને ભય હતો કે આર્ચીને રાજકુમારનું બિરુદ આપવામાં નહિં આવે કારણ કે તે મિશ્ર-વંશનો છે. જો કે તેણીને ક્યારેય આવું કહેવામાં આવ્યું નથી.’’
મેગને સૂચવ્યું હતું કે તે અને હેરી ઇચ્છતા હતા કે આર્ચીને રાજકુમારનું ટાઇટલ અપાય. જેથી તેની સુરક્ષા રહે અને તેનું રક્ષણ થાય. પરિવારના અન્ય પૌત્રોની જેમ આર્ચીને શીર્ષક આપવામાં ન આવે તે અંગે ડચેસે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. બ્રિટનના શાહી સિંહાસન માટે સાતમા ક્રમાંકમાં રહેનાર આર્ચી કિંગ જ્યોર્જ પંચમ દ્વારા 100 કરતાં વધુ વર્ષો પહેલા નિર્ધારિત નિયમોને કારણે એચઆરએચ અથવા રાજકુમાર બનવા માટે હકદાર નથી. પ્રિન્સ ઑફ વેલ્સ સિંહાસન પર બેસે અને તેઓ મંજૂરી આપે ત્યારે જ આર્ચી એચઆરએચ અથવા રાજકુમારના બિરૂદ માટે હકદાર બનશે. એક શાહી સ્ત્રોતે જણાવ્યું હતું કે હેરી અને મેગને નક્કી કર્યું હતું કે માસ્ટર આર્ચી માઉન્ટબેટન-વિન્ડસર તરીકે ઓળખાશે. મેગને દાવો કર્યો હતો કે તેની ત્વચાના રંગને કારણે રાજમહેલમાં અને અન્ય સ્થળે તેની સાથે થતા દુર્વ્યવહાર ડચેસ કેટથી પણ ખરાબ હતા.
દરમિયાન, ડ્યુક ઓફ એડીનબરા એટલે કે મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપે આર્ચીની ચામડી ‘શ્યામ’ હશે કે કેમ તે અંગેની જાતિવાદી ટિપ્પણી કરી ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઓપ્રાહ સમક્ષ હેરીએ પુષ્ટિ કરી હતી કે આવી ટિપ્પણી ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ અથવા મહારાણી દ્વારા કરવામાં આવી નથી. જો કે શાહી પરિવારના અને ડ્યુકનો હોદ્દો ધરાવતી તે વ્યક્તિની ઓળખ જાહેર કરવાની હેરીએ ના પાડી હતી.