બહુરાષ્ટ્રીય સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે સજ્જ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024માં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આર્સેલર મિત્તલ 2029 સુધીમાં હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું નિર્માણ કરશે.
મિત્તલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફેક્ટરીની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 24 મિલિયન મેટ્રિક ટન (MT) ક્રૂડ સ્ટીલની હશે. કંપનીએ સમિટ દરમિયાન હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
મિત્તલના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ 2021માં પ્લાન્ટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું. 2026 માં શરૂ થવાના શેડ્યૂલ મુજબ બાંધકામ ચાલી રહ્યું છે. અમને રાજ્ય સરકારના સમર્થન સાથે આગામી પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો વિશ્વાસ છે.
મિત્તલે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા તરફ કોઈ પણ રાષ્ટ્રની યાત્રામાં સ્ટીલ એક પ્રાથમિક યોગદાન આપનાર છે. આત્મનિર્ભરતાના હાર્દમાં, સ્ટીલ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરીકરણ, રિન્યુએબલ, ઓટોમોટિવ સહિત ઈલેક્ટ્રિક વાહનો, સંરક્ષણ અને રેલ્વે જેવા ક્ષેત્રોમાં વિવિધ એપ્લિકેશનોને સપોર્ટ કરે છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી લાવીને, અમે હાઇએન્ડ પ્રોડક્ટ્સ વિકસાવી રહ્યા છીએ, જે તમામ MSMEs લઇને સ્ટીલના ગ્રાહકોમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરે છે.
લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. મિત્તેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી પોલીસી ડ્રિવન રાજ્ય રહ્યું છે અને પરિણામે ગુજરાત ભારતના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન મોદીના આઈડિયા અને ઇમેજીનેશનથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સમિટ બની છે.
તેમણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સિદ્ધાંતોમાં વડાપ્રધાનના વિશ્વાસ અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સાઉથ ગ્લોબલના અવાજને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાના પ્રયાસોને વખાણ્યા હતા. દેશને આત્મનિર્ભર બનાવવા સ્ટીલના મહત્ત્વ પર ભાર મૂકીને મિત્તલે વર્ષ 2021માં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હજીરા વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ થયાને યાદ કરીને જાણકારી આપી હતી કે, પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ 2026ના નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમણે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ગ્રીન સેક્ટરમાં રોકાણ કરવા અંગે પણ યોજના રજૂ કરી હતી.