સુપ્રીમ કોર્ટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની (AMNS)ની અરજીને ફગાવી દીધી છે અને સુરત કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. સુરત કોર્ટે તેના આદેશમાં એસ્સાર બલ્ક ટર્મિનલ સાથેના કાર્ગો હેન્ડલિંગ સમજૂતી વિવાદ અને નોન પેમેન્ટ અંગેની કાર્યવાહી ગુજરાત હાઇ કોર્ટે રચેલા આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવાની આર્સેલર મિત્તલની અરજીને ફગાવી દીધી હતી. સુરત કોર્ટના આ આદેશને ગુજરાત હાઇ કોર્ટે માન્ય રાખ્યો હતો અને તેથી કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ જે કે મહેશ્વરીની બંને ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે આર્સેલર મિત્તલ સામે એસ્સારે દાખલ કરેલી સેક્શન-9 આર્બિટ્રેશન એક્ટ અરજીની ટ્રાયલ કોર્ટ વિચારણા કરી શકે છે.
સુરતની કોમર્શિયલ કોર્ટે 17 જુલાઇએ આર્સેલર મિત્તલ સ્ટીલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ 9 જુલાઈએ હાઇ કોર્ટે રચેલા ટ્રિબ્યુનલમાં કાર્યવાહી ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી.
સુરત કોર્ટ સામે આર્સેલર મિત્તલે દાખલ કરેલી પિટિશનને ગુજરાત હાઇ કોર્ટે 18 ઓગસ્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઇ કોર્ટે જણાવ્યું હતું કે અરજકર્તા અરજી ફગાવી દેવા માટે ટ્રાયલ કોર્ટે પૂરતા કારણો આપ્યા નથી, પરંતુ ટ્રાયલ કોર્ટે અરજદારની વિનંતી ફગાવીને કોઇ ભૂલ કરી નથી. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે “આ ચુકાદામાં અમારા નિરીક્ષણો અને ધારાની કલમ 9 (એ) હેઠળની જોગવાઇને જોતા અમારા મતે સેક્શન 9 હેઠળ પેન્ડિંગ બંને અરજીઓ અંગે ટ્રાયલ કોર્ટને ચુકાદો આપવાની મંજૂરી આપવી જોઇએ.
હાઇ કોર્ટના આદેશ સામે સ્ટીલ કંપનીએ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. આ વિવાદ ફેબ્રુઆરી 2011માં બંને કંપનીઓ વચ્ચે થયેલી એક સમજૂતી સંબંધિત છે. આર્સેલરે 2020માં નોટિસની જારી કરવા સહિતની આર્બિટ્રેશન કાર્યવાહી ચાલુ કરી હતી. તેને સુરતની કોર્ટમાં અરજી કરી હતી. સુરત કોર્ટમાં કેસ પેન્ડિંગ હતો, ત્યારે બંને કંપનીઓ જુલાઈ 2021માં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ માટે સંમત થઈ હતી, પરંતુ એસ્સારે કોર્ટ આદેશ આપે તેવી માગણી કરી હતી.