ઇન્ડિયન અમેરિકન ભૌતિકશાસ્ત્રી આરતી પ્રભાકરને વ્હાઇટહાઉસમાં સ્થાન મળવાનું છે. પ્રમુખ જો બાઇડેન આરતી પ્રભાકરને તેમના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નોમિનેટ કરવાના છે. આરતી પ્રભાકરને વ્હાઇટ હાઉસ ઑફિસ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (OSTP)ના ડિરેક્ટર તરીકે નામ આપવામાં આવે તેવી અપેક્ષા છે. આરતી પ્રભાકર એરિક લેન્ડરનું સ્થાન લેશે. લેન્ડરે 7 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્રમુખના વિજ્ઞાન સલાહકાર તરીકે રાજીનામું આપ્યું હતું. આરતી પ્રભાકરને OSTP ડિરેક્ટર બનવા માટે સેનેટની મંજૂરીની જરૂર પડશે. આ પ્રક્રિયામાં મહિનાઓ લાગી શકે છે. જોકે, તે તરત જ પ્રમુખના વિજ્ઞાન સલાહકારનું પદ સંભાળી શકે છે. વિજ્ઞાન સલાહકાર તરીકેની તેમની જવાબદારીઓમાં દેશની વિજ્ઞાનનીતિમાં રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
આરતી પ્રભાકર જાણીતા ભૌતિકશાસ્ત્રી છે. 1993માં તત્કાલિન પ્રમુખ બિલ ક્લિન્ટને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજી (NIST)ના વડા તરીકે તેમની પસંદગી કરી હતી. NIST ના વડા તરીકે નામાંકિત થયાના બે દાયકા પછી, ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પ્રભાકરને ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DARPA) ના વડા તરીકે પસંદ કર્યા. હવે જો સેનેટ OSTPના ડિરેક્ટર તરીકે પ્રભાકરની નિમણૂકને મંજૂરી આપે છે, તો તે OSTPના વડા તરીકે પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ બનશે.
આરતી પ્રભાકરનો જન્મ 2 ફેબ્રુઆરી 1959ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં થયો હતો. તેમનું બાળપણ અને પ્રારંભિક શિક્ષણ ટેક્સાસમાં થયું હતું. 1984માં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી પીએચડી કર્યા પછી, તે ફેડરલ સરકારમાં જોડાયા હતા.