સરકારે છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુક કરી છે અને સાત રાજ્યોમાં રાજપાલોની ફેરબદલ કરી છે. અયોધ્યામાં રામંદિરનો ઐતિહાસિક ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એસ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે. આંધ્રપ્રદેશનાના હાલના ગવર્નર બિસ્વા ભૂષણ હરિચંદનને છત્તીસગઢ ખસેડવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીરની નિયુક્તિથી વિવાદ પણ પેદા થયો છે.
રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે અનુક્રમે ભગત સિંહ કોશ્યારી અને આર કે માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. ઝારખંડના રાજ્યપાલ રહી ચૂકેલા રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં ફસાયેલા કોશ્યારીએ ગયા મહિને કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાની ઈચ્છા જણાવી હતી. શિવસેનાએ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ રાજ્યમાં રાજકીય તોફાનના સમયે 80 વર્ષીય કોશ્યારીએ સપ્ટેમ્બર 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
લદ્દાખના રાજ્યપાલ તરીકે આર કે માથુરની જગ્યાએ અરુણાચલપ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા (નિવૃત)ની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત અનુસુયા ઉઇકેને છત્તીસગઢથી મણિપુર, લા ગણેશનને મણિપુરથી નાગાલેન્ડ, ફાગુ ચૌહાણ બિહારથી મેઘાલય અને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું હિમાચલ પ્રદેશથી બિહારમાં ખસેડવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક (નિવૃત્ત)ને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરાયા છે.
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના બે સહિત ભાજપના ચાર નેતાઓની પણ નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, સીપી રાધાકૃષ્ણન, શિવ પ્રતાપ શુક્લા અને ગુલાબચંદ કટારિયાને અનુક્રમે સિક્કિમ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ઉત્તરપ્રદેશ વિધાનપરિષદના સભ્ય છે. સી પી રાધાકૃષ્ણન કોઇમ્બતુરથી ભાજપની બે વખતના લોકસભા સભ્યા છે. 1999માં ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનની રચનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજ્યકક્ષાના ભૂતપૂર્વ નાણાપ્રધાન શિવ પ્રતાપ શુકલા ભાજપના રાજ્યસભાના સભ્યા હતા અને 2022માં નિવૃત થયા હતા. ગુલાબચંદ કટારિયા રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા છે.