Anil Wadhwani (Image: Anil Wadhwani LinkedIn account)

બ્રિટિશ વીમા કંપની પ્રુડેન્શિયલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે અનિલ વાધવાણીની 25 ફેબ્રુઆરીએ કાર્યભાર સંભાળ્યો હતો. બ્રિટનની આ અગ્રણી કંપની એશિયન દેશો પર ફોકસ કરી રહી છે ત્યારે આ નિમણુકનું વિશેષ મહત્ત્વ છે.

તેમની નવી ભૂમિકા વિશે બોલતા વાધવાણીએ કહ્યું કે તેઓ કંપનીના એશિયન અને આફ્રિકન કામગીરીના વિકાસમાં શ્રેષ્ઠ સમય દરમિયાન ટીમમાં જોડાવા માટે રોમાંચિત છે અને તેઓ ગ્રાહકો, સહકર્મીઓ, રોકાણકારો અને મુખ્ય હિતધારકોને મળવા આતુર છે.

પ્રુડેન્શિયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાધવાણી મેન્યુલાઇફ એશિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને સીઇઓ છે. વાધવાણી પ્રુડેન્શિયલના એશિયા હેડક્વાર્ટર હોંગકોંગમાંથી કામગીરી કરી રહ્યાં છે.

પ્રુડેન્શિયલ ચેરમેન શ્રીતિ વાડેરાએ જણાવ્યું હતું કે વાધવાણી માત્ર વીમા ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવતા નથી, તેઓ સફળતાનું કલ્ચર ઊભું કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ ગ્રાહક કેન્દ્રીત સર્વિસના સફળ લીડર છે. તેનાથી એશિયા અને આફ્રિકામાં અમારા ગ્રોથ માર્કેટમાં ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે.

વાધવાણીનો વાર્ષિક પગાર $1.57 મિલિયન હશે. તેમને વીમા કંપનીની વાર્ષિક પ્રોત્સાહક યોજના હેઠળ પગારના 200% સુધી મહત્તમ વાર્ષિક બોનસની પણ તક મળશે.

પ્રુડેન્શિયલ તાજેતરના વર્ષોમાં પરિવર્તનમાંથી પસાર થઈ છે. કંપનીએ 2019માં તેના યુકે અને યુરોપિયન યુનિટ M&Gને અલગ કરી દીધું હતું. આ ઉપરાંત અમેરિકાના એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર થર્ડ પોઈન્ટના દબાણને પગલે ગયા વર્ષે અમેરિકા ખાતેના બિઝનેસ જેક્સનનું વિભાજન કર્યું હતું. થર્ડ પોઈન્ટે પ્રુડેન્શિયલને લંડન હેડ ઓફિસના ખર્ચમાં ઘટાડો કરવા અને એશિયામાં સ્થાનિક પ્રતિભા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ભલામણ કરી હતી.

પ્રુડેન્શિયલએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે માઇક વેલ્સની નિવૃત્તિ બાદ તેના ભાવિ સીઇઓ અને સિનિયર મેનેજમેન્ટ ટીમ એશિયામાંથી રહેશે.

LEAVE A REPLY