કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનમાં ઉત્પાદન એકમ ધરાવતી અને હવે અમેરિકાને બદલે ભારત કે આયર્લૅન્ડમાં કંપનીનું ઉત્પાદન એકમ ખસેડવા વિચારણા કરી રહેલી ઍપલ જેવી અમેરિકન કંપનીઓને એમ કરતા નિરુત્સાહ કરવા તેમના પર વધુ કરવેરા લાદવાની અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી.
એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે કરવેરામાં રાહત એ કંપનીઓને તેમનું ઉત્પાદન એકમ અમેરિકામાં ખસેડવા પ્રોત્સાહન આપવા માટે છે. અગાઉ ઍપલે કહ્યું હતું કે હવે તે તેનું ઉત્પાદન એકમ ચીનથી દૂર ભારતમાં ખસેડશે.
અમેરિકાના એક અગ્રણી સમાચારપત્રના અહેવાલ મુજબ ઍપલ કંપની તેનાં ઉત્પાદન એકમનો મોટો હિસ્સો ભારતમાં ખસેડવા વિચારણા કરી રહી છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને પગલે ચીનમાં ઉત્પાદન એકમ ધરાવતી અનેક ટૅક કંપનીઓની પુરવઠાની લાઈન ખોરવાઈ ગઈ હતી.